Upleta Flood | ઉપલેટાના લાઠ ગામમાં 2 જ કલાકમાં ખાબક્યો 11 ઇંચ વરસાદ, આખું ગામ પાણીમાં ગરકાવ
રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે. તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે.
લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજકોટના ધોરાજીમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ધોરાજીમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.