Rajkot Rain Update | રાજકોટમાં કાલાવડ રોડ પર અંડરબ્રીજમાં પાણી ભરાતા ફસાઈ બસ, જુઓ VIDEO
ધોધમાર વરસાદને કારણે રાજકોટના વોર્ડ નંબર નવની ઓફિસ નજીક ભરાયા પાણી. કાલાવડ રોડ પર અંડરબ્રિજમાં પાણી ભરાતા ફસાઈ સિટી બસ અને ST બસ. મુસાફરોએ ધક્કો મારીને બસોને અંડરબ્રિજમાંથી કાઢી બહાર. બેરિકેટ મુકીને બ્રિજમાંથી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાઈ શરૂ.
રાજકોટમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા. સવારથી અત્યાર સુધી સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો. જેના કારણે રાજકોટના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં લોકોએ વરસાદી પાણીમાં સ્વિમિંગ પૂલ જેવી મોજ માણી. તો વોર્ડ નંબર 9માં વોર્ડ ઓફિસ પાસે વરસાદી પાણી ભરાયા.. તો કાલાવડ રોડ જ્યોતિનગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા. તો પોપટપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો વગડ ચોકડીએ પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટ ફાયર બ્રિગેડમાં, રેલનગરમાં, ઋષિકેશ પાર્કમાં, અંડરબ્રિજ, કાલાવડ રોડ, રેલનગર બ્રિજ તેમજ નાના મવા ચોક ખાતેના ફ્લડ કંટ્રોલરૂમમાં, નાના મવા ચોકડી, રૈયા ટેલિફોન એક્સચેન્જ, ગેલેક્સી ટાઉનશીપના વિસ્તારમાં પાણી ભરાવાના ઘટનાની ફરિયાદો મળી..રેલનગર અંડર બ્રિજ, પોપટપરા નાલુ, એસ્ટ્રોન ચોક પાસે અમીન માર્ગ તરફ નો રેલવે લાઇન નીચે જે નાલુ છે તે તેમજ મહિલા કોલેજ પાસેનો અંડરબ્રિજ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા હતા.
પાણીના પ્રવાહમાં વાહનચાલકો મહામહેનતે વાહન બહાર કાઢતા નજરે પડ્યા. તો અટીકા નજીક વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી. જો કે ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી રસ્તાને ખુલ્લો કર્યો. તો રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીનો લોકમેળો વરસાદમાં ધોવાઈ ગયો. વરસાદને કારણે મેળામાં ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં ભરાઈ ગયાં. શહેરના સેંટ્રલ ઝોનમાં છ ઈંચ, ઈસ્ટ ઝોનમાં સાડા ચાર ઈંચ અને વેસ્ટ ઝોનમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો.