Rajkot Rain | રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
રાજકોટ: રાજ્યમાં મેઘરાજાએ ફરી એક વખત જમાવટ કરી છે. અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના જેતપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેતપુરમાં સતત બીજા દિવસે મેઘરાજાએ જમાવટ કરી છે. શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેતપુરના જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢ, દેસાઈ વાડી, ચાંદની ચોક અને સામાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
જેતપુર માં ભારે વરસાદને લઈ રોડ ઉપર પાણી વહેતા થયા હતા. ગાજવીજ તેમજ પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વરસાદની માહોલ યથાવત છે.
ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
રાજકોટના ધોરાજીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. ધોરાજી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોરાજીમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોરાજીના જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, મેઈન બજાર, શાકમાર્કેટ રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ધોરાજીના નાનીપરબડી, મોટી પરબડી, તોરણીયા, ગુંદાળા, ફરેણી, જમનાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.