Rajkot TRP Game Zone Fire: ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત તંત્ર એલર્ટ, શહેરના તમામ ગેમ ઝોનની કરાશે તપાસ
રાજકોટ અગ્નિકાંડ ની ઘટના બાદ સફાળે જાગેલ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને અલગ અલગ વિભાગ દ્વારા હવે બેઠકોનો દૌર શરૂ કરવામાં આવ્યો છે.સુરત જિલ્લા કલેકટર કચેરી,શહેર પોલીસ,ડિજીવીસીએલ સહિત સુરત મહાનગરપાલિકાની સંયુક્ત બેઠક આજ રોજ સુરતના સીટી લાઈટ સ્થિત CCC સેન્ટર ખાતે યોજવામાં આવી છે.જે બેઠકમાં સંયુક્ત ટિમો બનાવી શહેરના અલગ અલગ 16 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવશે.જેમાં ફાયર noc ,પોલીસ પરવાનગી,વીજ કંપનીની પરવાનગી સહિત વિવિધ પાસાઓ ટીમ દ્વારા ચકાસવામાં આવશે.
તક્ષશિલા અગ્નિકાંડ ની ઘટના બાદ દેશમાં સૌથી મોટી ઘટના રાજકોટમાં બની છે.જેમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનામાં 30 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.સ્થાનિક તંત્ર ની પરવાનગી ન હોવા છતાં ગેરકાયદે ચાલી રહેલા ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં માસૂમ ભૂલકાઓ સહિત 30 થી વધુ લોકો જીવતા હોમાઈ ગયા છે. આ ઘટનાની ગંભીર નોંધ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી છે.જેના પગલે સુરતનું તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેકટર કચેરી, શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા અને ડીજીવીસીએલ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક સુરત ખાતે મળી છે.આ બેઠકમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે.જે બેઠક પૂર્ણ થયા બાદ શહેરના 16 જેટલા ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવશે.ફાયર NOC સહિતના પુરાવાઓ અધિકારીઓની ટીમ દ્વારા તપાસવામાં આવશે.જેમાં તમામ દસ્તાવેજી પુરાવાઓની ઝીણવટભરી રીતે ચકાસણી કરવામાં આવશે.શહેરના કુલ આઠ ઝોનમાં બેઠક પૂર્ણ થયા બાદ આ કાર્યવાહી અને તપાસનો દૌર શરૂ કરવામાં આવશે.જો કે ઘટના બને ત્યારે જ તંત્ર આ પ્રકારની કાર્યવાહી અને તપાસનું નાટક કરતી હોવાનો સુર લોકોમાં ઉઠ્યો છે.