UP: રડતા રડતા મદદની ભીખ માંગતી હતી મહિલા, ભાષણમાં વ્યસ્ત રહ્યા CM યોગી આદિત્યનાથ
લખનઉઃ ગેંગરેપમાં ફસાયેલા ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનો કેસ હજુ શાંત પડ્યો નથી ત્યાં એક મહિલા ભારતના ધારાસભ્યની ફરિયાદ લઇ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા પહોંચી હતી. વાસ્તવમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના જાલૌનમાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ દરમિયાન એક મહિલા આદિત્યનાથને મળવા માટે પહોંચી હતી. પરંતુ મહિલાને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા દેવામાં આવી નહોતી. ત્યાં હાજર પોલીસ જવાનોએ મહિલાને ધક્કા મારીને સભાસ્થળથી બહાર લઇ ગયા હતા.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં દેખાઇ રહ્યું છે કે મહિલા કેવી રીતે રડતા રડતા મુખ્યમંત્રીને મળવા દેવાની વિનંતી કરી રહી છે પરંતુ ત્યાં હાજર પોલીસ જવાનો પણ તેની કોઇ અસર થતી નથી અને તેને ખેંચીને દૂર લઇ જાય છે. આ ઘટનાની યોગી પર કોઇ અસર થતી નથી અને તે પોતાનું ભાષણ ચાલુ રાખે છે.
વાસ્તવમાં પીડિત મહિલા હમીરપુર જિલ્લાના ભાજપના ધારાસભ્ય અશોક ચંદેલ સામેની ફરિયાદ સાથે મુખ્યમંત્રી યોગીને મળવા પહોંચી હતી. મહિલાનો આરોપ છે કે ધારાસભ્ય ચંદેલે તેની જમીનનો ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. જેથી મહિલા મદદ માટે યોગી આદિત્યનાથ પાસે પહોંચી હતી. તે રડતા રડતા મુખ્યમંત્રી પાસે મદદની ભીખ માંગતી રહે છે પરંતુ તેની યોગી આદિત્યનાથ પર કોઇ અસર થતી નથી. યોગી આદિત્યનાથ જાલૌનમાં 387 કરોડ રૂપિયાના ખર્ચની 275 પરિયોજનાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કરવા પહોંચ્યા હતા.
જ્યારે આ મામલે આરોપી ધારાસભ્ય અશોક ચંદેલ સાથે વાત કરવામાં આવી તો તેઓ સવાલના યોગ્ય જવાબ આપી શક્યા નહોતા.