Ground Nut Crop: મગફળીના પાકને નુકસાન પહોંચાડે છે આ જીવાત, જાણો કેવી રીતે અટકાવશો ઉપદ્રવ
Agriculture News: આ ધૈણની ઇયળો પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુકસાન કરે છે. તેનું નુકસાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે
Ground Nut Crop : ચાલુ ખરીફ સીઝનમાં મહદ અંશે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અગત્યનાં ખેતી પાક-મગફળીમાં ધૈણ નામની જીવાતનો ઉપદ્રવ સામાન્ય રીતે જોવા મળતો હોય છે. આ ધૈણની ઇયળો પહેલાં તંતુમૂળ અને ત્યારબાદ મુખ્ય મુળને કાપીને નુકશાન કરે છે. તેનું નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીના છોડ સુકાવાથી ખેતરમાં મોટા ખાલા પડે છે અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે, જો ધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલિત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્થિતિ અનુસાર જરૂરી પગલાં લેવા સંબંધિત ખેડૂતોને ગુજરાત રાજ્ય કૃષિભવનના ખેતી નિયામક દ્વારા ભલામણ કરવામાં આવે છે.
મગફળીના પાકમાં સફેદ ધૈણનો ઉપદ્રવ અટકાવવાનાં ઉપાયો
- ચોમાસાનો સારો વરસાદ થયા પછી જમીનમાં પડી રહેલ સુષુપ્ત ઢાલિયા સંધ્યા સમયે જમીનમાંથી બહાર નીકળીને ખેતરના શેઢા-પાળા પર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના પાન ખાવા આવતા ઢાલિયાને ઝાડના ડાળા હલાવી નીચે પાડી વીણાવી લઇ કેરોસીનવાળા પાણીમાંનાખી નાશ કરવો.
- ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના બધા પાન ઉપર સારીરીતે છંટાય તે પ્રમાણે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- દીવલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રા. હેક્ટર પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંતમગફળીના પાકમાં ડોડવાને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી શકાય.
- ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉપદ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજરગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો.
- બ્યુવેરિયા બેસિયાના અને મેટારિઝિયમ એનિસોપ્લિયા નામની ફુગનો પાઉડર ૨૫ ગ્રામ એક કિગ્રાબીજને માવજત આપી વાવેતર કરવુ. ઉગવાના ૩૦ દિવસ પછી આ કુગ ૧ કિગ્રા ૩૦૦ કિગ્રાદિવેલી ખોળ સાથે ભેળવી છોડની હરોળમાં આપવી.
- સામુહિક ઉપાયોની સાથે સાથે વ્યક્તિગત ધોરણે પણ પોતાનો પાક બચાવવા દરેક ખેડૂતે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨૫ મિલિ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 3 મિલિ અથવા ક્લોથીયાનિડીન ૫૦ ડબલ્યુડીજી ૨ ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૬૦૦એફએસ ૬.૫ મિલિ પ્રતિ કિગ્રા બીજ પ્રમાણે બીજ માવજત વાવતા પહેલા ત્રણ કલાકે આપી છાંયડામાં સુકવી વાવેતર તરીકે ઉપયોગ કરવો.
- મીથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમાં ઉપલબ્ધ છે, જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ કરી ઢાલિયાની વસ્તીને કાબૂમાં રાખી શકાય. તેનો ઉપયોગ કરવા૫ ૫ સે.મી. ના વાદળી (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૫-૫૦ સે.મી. લાંબા લોખંડના પાતળા તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવીઅને બીજા છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર થયેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી.વાદળીના ટૂકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલું મીથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવું.
- ઉભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી અથવા કલોરપાયરીફોસ ૨૦ ઈસી હેક્ટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જો પિયત આપવાનું થતુ ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પુરતા પ્રમાણમાં આપવી.
- આ કીટનાશકને રેતી સાથે ભેળવી વરસાદ પહેલા ચાસની બાજુમાં રેડવાથી પણ સારા પરિણામમેળવી શકાય.
વઘુ જાણકારી માટે અહીં કરો સંપર્ક
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, કે.વી.કે., ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક (તાલીમ)અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફી નંબર–૧૮૦૦ ૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરો.
આ પણ વાંચોઃ