Crime News: બોડેલીમાં તાંત્રિક વિધિમાં પાંચ વર્ષની બાળકીની ઘાતકી બલી, ભુવાએ કુહાડીથી ગળું કાપી હત્યા કરી
Crime News: પાણેજ ગામમાં ચકચાર: આધેડ ભૂવાએ માનવતા નેવે મૂકી, નાના ભાઈને પણ બલિ માટે લઈ જતાં ગ્રામજનોએ બચાવ્યો.

5 year old girl sacrificed Bodeli: પાણેજ ગામમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે. અહીં એક આધેડ ભૂવાએ તાંત્રિક વિધિના નામે પાંચ વર્ષની માસૂમ બાળકીની ક્રૂરતાથી હત્યા કરી નાખી. આરોપી, જેની ઓળખ લાલુ હિંમત તડવી તરીકે થઈ છે, તેણે તમામ માનવમર્યાદાઓ ઓળંગીને પાંચ વર્ષની બાળકીને તેના ઘરની સામેથી જ ઉપાડી જઈને આ ભયાનક કૃત્ય આચર્યું હતું.
ઘટનાની વિગતો અનુસાર, લાલુ તડવી નામનો ભુવા બાળકીને તેના ઘરમાં લઈ ગયો, જ્યાં તેણે ગુપ્ત વિધિઓ કરી અને ત્યારબાદ કુહાડી જેવા ધારદાર હથિયારથી બાળકીનું ગળું કાપીને તેની બલી ચઢાવી દીધી. આ કૃત્યથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પરંતુ આ ભયાનકતા અહીં અટકી ન હતી. બાળકીની બલી ચઢાવ્યા બાદ, આ ભુવાએ મૃત બાળકીના નાના ભાઈને પણ બલિ આપવા માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસીબે, ગામના લોકોએ આ ભુવાના ઈરાદા પારખી ગયા અને તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને તેના પંજામાંથી બચાવી લીધો.
ગામલોકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલતદાર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લાલુ તડવીની ધરપકડ કરી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને આઘાતનું વાતાવરણ સર્જ્યું છે. એક પાંચ વર્ષની નિર્દોષ બાળકીની આવી ક્રૂરતાથી હત્યા થવાથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. આ ઘટનાએ તાંત્રિક વિધિઓના નામે થતી આવી ક્રૂર પ્રથાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને સમાજમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
લોક કલાકાર રાજભા ગઢવીએ આ ઘટના અંગે દુઃખ અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ ઘટનાથી લાગે છે કે હજુ રાક્ષસો જીવે છે. આ ઘટનાને રાક્ષસી કૃત્ય જ કહેવાય અને આવા રાક્ષસોનો સંહાર થવો જ જોઈએ." તેમના શબ્દોએ ઘટનાની ગંભીરતા અને લોકોની લાગણીઓને વાચા આપી હતી.
ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ આ ઘટનાને 'ખૂબ જ ઘૃણાસ્પદ' ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, "દીકરીઓને આપણે માતા સમાન અને લક્ષ્મી સમાન માન આપીએ છીએ. આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ, પરંતુ આવી ઘટનાઓથી આપણે જાગૃત રહેવું પડશે. તમારી આસપાસ આવું થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો જેથી કોઈનો જીવ બચી જાય." તેમણે સમાજને જાગૃત અને સજાગ રહેવાની અપીલ કરી હતી.
બાળકીની બલી ચડાવવાની ઘટના અંગે પોલીસ દ્વારા પણ મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. એ.એસ.પી. ગૌરવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "બાળકીની હત્યાની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં આ મામલો નરબલીનો લાગી રહ્યો છે." તેમણે ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, "માતા કપડાં ધોવા ગઈ હતી, ત્યાંથી તાંત્રિક લાલા તડવી બાળકીને લઈ ગયો હતો. માતા જ્યોતિબેને બૂમાબૂમ કરતા બે-ત્રણ લોકો ભેગા થયા હતા, તેમની સામે જ તાંત્રિકે બાળકીના ગળા ઉપર કુહાડી મારી હત્યા કરી હતી."
પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદમાં જણાવ્યા અનુસાર, "બાળકીને ઘરમાં ખેંચીને ગળું કાપવામાં આવ્યું હતું. આધેડ ભુવા લાલુ હિંમત તડવીના હાથમાં કુહાડી હતી. હત્યા બાદ બાળકીના લોહીને ઘરમાં મંદિર ઉપર મૂકેલા ફોટાને ચઢાવવામાં આવ્યું હતું. ઘરમાં સીડી બનાવી ઉપર ફોટા મૂકીને મંદિર બનાવવામાં આવ્યું છે. ગળું કાપીને લોહી મંદિરની સીડીઓ પર ચઢાવતા મામલો નરબલીનો લાગી રહ્યો છે." એ.એસ.પી. ગૌરવે જણાવ્યું હતું કે, "આરોપી વિકૃત માનસિકતાનો હોવાનું લાગી રહ્યું છે, જેના કારણે તેણે આ કૃત્ય કર્યું હોય." પોલીસે બાળકીની હત્યાની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી લાલુ હિંમત તડવીની ધરપકડ કરી લેવામાં આવી છે.





















