Crime News: અમદાવાદમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ જિંદગી ટૂંકાવી, દહેજ માટે ₹9 લાખ ચૂકવ્યા છતાં પતિએ 'થાર કાર' માંગી
woman suicide news: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાની આત્મહત્યાના બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે.

Ahmedabad dowry case: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં રહેતી રિદ્ધિબેન ભરવાડ નામની પરિણીતાએ સાસરિયાંના સતત માનસિક અને શારીરિક ત્રાસ તેમજ દહેજની માગણીઓથી કંટાળીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. દોઢ વર્ષના આ લગ્નજીવનનો કરુણ અંત આવ્યો છે. પિયરપક્ષે આક્ષેપ કર્યો છે કે લગ્ન પહેલાં જ જમાઈએ થાર કાર માટે પૈસાની માંગણી કરી હતી, અને રિદ્ધિએ ટુકડે ટુકડે કુલ ₹9 લાખ આપ્યા હોવા છતાં તેને ત્રાસ અપાતો હતો. આત્મહત્યા બાદ સાસરિયાં પક્ષના લોકો મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મૂકીને નાસી છૂટ્યા હોવાનો પણ આક્ષેપ પિયરપક્ષે કર્યો છે. હાલમાં વસ્ત્રાપુર પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
દહેજની સતત માગણીઓ: દોઢ વર્ષના લગ્નજીવનનો કરુણ અંત
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પરિણીતાની આત્મહત્યાના બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે. ભરવાડવાસમાં રહેતા દિલીપ ભરવાડ સાથે દોઢ વર્ષ પહેલાં રિદ્ધિના લગ્ન થયા હતા, પરંતુ લગ્નજીવનના આ ટૂંકા ગાળામાં જ રિદ્ધિને તેના સાસરિયાં તરફથી સતત ત્રાસ અને દહેજની માગણીઓનો સામનો કરવો પડ્યો હતો.
મૃતકના પિયરપક્ષે ગંભીર આક્ષેપો કર્યા છે કે, રિદ્ધિના પતિ દિલીપે સગાઈ બાદ જ થાર ગાડી ખરીદવા માટે પૈસાની માંગણી કરી હતી. લગ્ન પછી પણ સાસરિયાં દ્વારા રિદ્ધિ પાસે અવારનવાર પૈસા અને સોનાની માંગણી કરવામાં આવતી હતી. રિદ્ધિના માતા હંસાબેનના જણાવ્યા મુજબ, તેમની દીકરી પિયરમાંથી ટુકડે ટુકડે કુલ ₹9 લાખ લાવી હતી, પરંતુ તેમ છતાં પતિ દિલીપ તેને માર મારતો અને માનસિક ટોર્ચર કરતો હતો.
રિદ્ધિના માતાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેમની દીકરીની તબિયત ખરાબ હતી, ત્યારે તેઓ રવિવારે તેને મળવા જવાના હતા. તે સમયે જમાઈ દિલીપ તરફથી એવો આગ્રહ કરવામાં આવ્યો હતો કે મળવા આવનાર 30 થી 40 લોકોનો ખર્ચ પણ રિદ્ધિના પરિવારે જ ઉઠાવવો પડશે. આ ઉપરાંત, જ્યારે તેઓ ચાંદીના દાગીના આપવા તૈયાર હતા, ત્યારે સાસરિયાંએ સોનાના દાગીનાની માંગણી કરી હતી.
પિયરપક્ષે સૌથી ગંભીર આક્ષેપ એ કર્યો છે કે રિદ્ધિએ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવ્યા બાદ તેના સાસરિયાંઓએ આ અંગેની જાણકારી મૃતકના પરિવારને સીધી રીતે આપી ન હતી, પરંતુ બીજા કોઈ માધ્યમથી તેમને જાણ થઈ. જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તેમને ખાનગી હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવી કે રિદ્ધિના સાસરિયાં તેને હોસ્પિટલમાં મૂકીને નાસી છૂટ્યા છે. મૃતકના ગળા ઉપર ઈજાના નિશાન હોવાનું પણ પરિવારે જણાવ્યું છે.
રિદ્ધિના પરિવારે આ મામલે જ્યાં સુધી ફરિયાદ નોંધાય નહીં અને આરોપીઓની ધરપકડ ન થાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે મૃતકના પરિવારના આક્ષેપોના આધારે પરિણીતાને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુનો નોંધાયા બાદ જવાબદાર આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. હાલમાં પરિણીતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ સોલા સિવિલ ખાતે કરવામાં આવી રહ્યું છે.




















