Crime News: અરવલ્લી જિલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત, દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં યુવક અને યુવતી મળ્યા
મેઘરજ તાલુકાના લાલોડિયા ગામની સીમમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં યુવક અને યુવતી મળી આવ્યા હતા.
Crime News: અરવલ્લી જિલ્લામાં લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત છે. મેઘરજ તાલુકાના લાલોડિયા ગામની સીમમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી લટકતી હાલતમાં યુવક અને યુવતી મળી આવ્યા હતા. આજે વહેલી સવારે એક જ દુપટ્ટાથી ફાંસો ખાધેલી હાલતમાં લાશો દેખાતા ગ્રામજનોએ મેઘરજ પોલીસને જાણ કરી હતી. મેઘરજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક-યુવતિની ઓળખ કરવા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.
બાયડ શહેરમાં તાજેતરમાં રાત્રિના સુમારે ચોઇલા રોડ ઉપર રોમિયોને માર મારવાનો કિસ્સો બહાર આવ્યો છે. માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસેલા રોમિયોને મારતાં સમગ્ર મામલો ટોક ઓફ ઓફ ધી ટાઉન બની ગયો છે . બાયડ શહેરમાં શહેરીજનો મોડી રાતના સમારે ભોજન બાદ અવારનવાર ચાલવા નીકળે છે. ત્યારે બાયડના બાઇક લઇ રખડતાં રોમિયો એ ચાલવા નીકળેલ યુવતી સાથે આંખ મિલાવી હતી. ગુરુવાર રાત્રિના સુમારે માતા-પિતા અમદાવાદ ગયા હોવાને લઈ યુવતી ને મળવા યુવક ચોઇલા રોડ ઉપર આવેલ મકાન માં પહોંચી ગયો હતો. જેઓ ઘરની અંદર પ્રવેશે તે પહેલા જ અચાનક જ યુવતીના માતા-પિતા પરત ઘરે આવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. યુવતીના પિતા તથા અન્ય મિત્રોએ ભેગા મળી આ રોમિયોની બરાબર ધુલાઇ કરી હતી. જ્યારે મારાથી બચવા રોમિયો બાઈક લઇ ગાબટ રોડ ઉપર પહોંચ્યો હતો ત્યાં બાઈક સ્લીપ ખાતાં વધુ ઇજાઓ પહોંચી હતી. માર ખાનાર રોમિયોના કેટલાક લોકોએ મોબાઇલના કેમેરામાં ફોટા પણ કેદ કરી લીધાનું બહાર આવતા રોમિયો ફોટા વાયરલ ન થાય તે માટે આજીજી કરવા પણ પહોંચ્યો હોવાની માહિતી મળી હતી. બાયડમાં આવા રોમિયોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે પોલીસ મહિલાઓની સુરક્ષા ને લઈ સાંજથી જ પેટ્રોલિંગ શરૂ કરે તેવી માગણી જાગૃત શહેરીજનોએ ઉઠાવી છે.
અંબાજી બાદ પાવાગઢમાં વિવાદ શરૂ થઈ શકે છે. પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરે હવે કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લઈને જઈ શક્શે નહીં. આ મંદિરના ટ્રસ્ટે ભક્તો માટે છેલ્યા વિનાનું આખુ નાળિયેર માતાજીને ધરીને પોતાની ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. મંદિર ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલો આ નિર્ણય સ્વચ્છતાને લઇને કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક એવા પાવાગઢ માતાજીના મંદિરે દરરોજ હજારો ભક્તો મુલાકાતે જતા હોય છે. આ ભક્તો માતાજીને પ્રસાદી રુપે શ્રીફળ, ચૂંદળી ધરાવતા હોય છે. મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવેથી ભક્તો મંદિરની અંદર છોલ્યા વિનાનું આખુ નાળિયેર ઘરાવવાનું રહેશે અને ત્યારબાદ તે નાળિયેર ધરાવીને ઘરે લઈ જવાનુ રહેશે. જે મુજબ તા. 20 માર્ચ, 2023 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. આ ઉપરાંત મંદિરની નજીક કોઈ વેપારીઓને પણ છોલેલા શ્રીફળ વહેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વેપારી પાસેથી છોલેલું શ્રીફળ મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વેપારી છોલેલું શ્રીફળ વેચશે તો તેને દંડ કરવામાં આવશે. મંદિરના ટ્રસ્ટીઓએ આ નિર્ણય સ્વચ્છતાને લઈને કરવામાં આવ્યો છે