Crime News: ભાવનગર ટ્રિપલ મર્ડર, ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની હત્યા? 10 દિવસથી ગુમ ત્રણેયના દાટેલા મૃતદેહ મળ્યા
Bhavnagar crime news: ફોરેસ્ટ કોલોની નજીક જમીનમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી, સુરત જવા નીકળ્યા બાદ હતા લાપતા; પારિવારિક સભ્યો શંકાના દાયરામાં

Bhavnagar crime news: ભાવનગર શહેરમાંથી એક અત્યંત હચમચાવી દેતી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાવી દીધી છે. છેલ્લા 10 દિવસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ સંતાનોના મૃતદેહો શહેરની ફોરેસ્ટ કોલોની નજીક જમીનમાં દાટેલી હાલતમાંથી મળી આવ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ "સુરત જવા"નું કહીને ઘરેથી નીકળ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ ઘટના ઠંડા કલેજે કરાયેલી હત્યા હોવાની પ્રબળ આશંકા છે, અને પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
10 દિવસથી ગુમ થયેલા પરિવારની દર્દનાક ભાળ
મળતી માહિતી મુજબ, ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના 40 વર્ષીય પત્ની નયનાબેન રબારી, તેમની 13 વર્ષીય પુત્રી પૃથા રબારી અને 9 વર્ષીય પુત્ર ભવ્ય રબારી છેલ્લા 10 દિવસથી લાપતા હતા. આ પરિવાર મૂળ સુરતનો વતની છે અને વેકેશન ગાળવા ભાવનગર આવ્યો હતો. તેઓ 10 દિવસ પૂર્વે ભાવનગરથી સુરત પરત જવા નીકળ્યા હોવાનું જણાવી ગયા હતા, પરંતુ તેઓ સુરત પહોંચ્યા ન હતા અને તેમનો કોઈ સંપર્ક પણ થઈ શક્યો ન હતો. પરિવારે તેમની ઘણી શોધખોળ કરી હતી અને સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરીને મદદ પણ માંગી હતી. આખરે, ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ રીતે થયો હત્યાકાંડનો પર્દાફાશ
રવિવારના રોજ, ભાવનગરના તળાજા રોડ પર સ્થિત કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી શંકાસ્પદ જગ્યા પર ખોદકામ કરાવ્યું. આ ખોદકામ દરમિયાન, ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા, કારણ કે જમીનમાંથી એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. મૃતદેહો કોહવાઈ ગયેલી અને અત્યંત ખરાબ હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ ગુમ થયેલા નયનાબેન અને તેમના બે બાળકો પૃથા અને ભવ્ય તરીકે થતાં, પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પોલીસ તપાસ અને શંકાની સોય
એકસાથે માતા અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલી હાલતમાં મળી આવતાં, આ સ્પષ્ટપણે હત્યાનો કેસ હોવાનું પોલીસ માની રહી છે. ઘટનાની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો, FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી, હત્યાનો ગુનો નોંધી સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ગુમ થતી વખતે મહિલાએ પોતાનો મોબાઈલ ફોન ઘરે જ મૂકી દીધો હતો. હાલ પોલીસની શંકાની સોય પારિવારિક કે નજીકના જ કોઈ જાણભેદુ પર હોવાનું મનાય રહ્યું છે અને આશા છે કે ટૂંક સમયમાં આ ટ્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ જશે.





















