Crime: વહેલી સવારે યુવક હમણા આવુ કહીને ઘરેથી નિકળ્યો, ખાડામાંથી લાશ મળતા પરિવારમાં કલ્પાંત
40 વર્ષનો યુવક ગઇકાલે વહેલી સવારે ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ ગામના જીઇબી સ્ટેશન પાછળ ખાડામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના દીગસર ગામમાંથી એક યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. 40 વર્ષનો યુવક ગઇકાલે વહેલી સવારે ઘરેથી બાઇક લઇને નીકળ્યા બાદ ગામના જીઇબી સ્ટેશન પાછળ ખાડામાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હત્યાનો ભોગ બનનાર યુવકને કોઇની સાથે કોઇ માથાકુટ ન હોવાનું તેના પરિવારજનો કહી રહ્યા છે. વહેલી સવારે કોઇનો ફોન આવ્યા બાદ હમણા આવું કહીને નીકળ્યા બાદ તેની લાશ મળી આવી હતી. હાલ તો આ હત્યાની ઘટનાને લઈ પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. હત્યાની આ સમગ્ર ઘટનામાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
મુળી પોલીસે હત્યાનો ભોગ બનનાર કેતન ઉર્ફ કડી વશરામભાઇ વાઘેલા (ઉ.વ.40)ના ભાઇ નિલેષ વશરામભાઇ વાઘેલાની ફરિયાદ પરથી અજાણ્યા વિરૂધ્ધ આઇપીસી 302, 135 મુજબ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતકના ભાઈ નિલેષ વાઘેલાના જણાવ્યા અનુસાર, અમે ત્રણ ભાઇઓ અને ત્રણ બહેનોમાં હત્યાનો ભોગ બનનાર કેતન વચેટ હતો. અમે બધા ભાઇ બહેનો પરિણતી છીએ અને અલગ-અલગ રહીએ છીએ. માતા-પિતા મારી સાથે રહે છે. કેતન તેની પત્નિ તથા બે દિકરા અને એક દિકરી મળી ત્રણ સંતાનો સાથે મારા ઘરની આગળની શેરીમાં રહેતો હતો. મારો ભાઈ છુટક મજૂરીકામ કરતો હતો.
17 માર્ચના રવિવારે વહેલી સવારે 6 વાગ્યે હું ઘરે સુતો હતો ત્યારે મારા પત્નિ અને બાળકો પણ હતાં. આ વખતે મારા માતા-પિતા વહેલા જાગી ગયા હતાં અને ફળીયામાં બેઠા હતાં. આ દરમિયાન મોટા ભાઇ કેતનના પત્નિએ આવીને કહ્યું કે મારા પતિ સવારે સાડા પાંચેક વાગ્યે ઘરેથી મોટર સાઇકલ લઇને ગયા પછી હજુ આવ્યા નથી. આથી મારા માતા-પિતાએ કુદરતી હાજતે ગયા હશે તેમ કહ્યું હતું. બાદમાં પિતાએ મારા ભાઇની શોધખોળ શરુ કરી પરંતુ કોઈ પત્તો મળ્યો નહી.
બાદમાં સવારે સાડા સાતેક વાગ્યે હું ઉઠીને બ્રસ કરી કુદરતી હાજતે જવા ગામના જીઇબી સ્ટેશન પાછળ સરકારી ખરાબામાં જવા નીકળ્યો હતો. ત્યારે જીઇબીની દિવાલ પાસે ગામના વહાણભાઇ પગી બાવળ કાપતા હતાં. હું મારું મોટરસાઇકલ લઇને હાજતે જઇ રહ્યો હતો. આ દરમિયાન જીઇબી સ્ટેશનથી થોડે આગળ જતાં મારા ભાઇ કેતનનું બાઇક પડયું હોઇ મને શંકા જતાં આજુબાજુમાં તપાસ કરતાં ખરાબાના ખાડામાંથી મારો ભાઇ લોહીલુહાણ મળ્યો હતો. તેના માથામાંથી લોહી નીકળતું હતું. મેં બૂમો મારીને તેને બોલાવવા પ્રયાસ કર્યો હતો. પણ તે બોલતો નહોતો. હું ગભરાઇ જતાં મેં ગામના સરપંચને અને મારા પિતાજી સહિતને જાણ કરતાં બધા આવી ગયા હતાં. આ બધાએ તપાસ કરતાં મારા ભાઇને માથાની પાછળ ઘા દેખાયો હતો. તે મૃત હાલતમાં હોવાનું પણ સ્પષ્ટ થયું હતું. કોઇએ તેને કોઇપણ કારણોસર માથા પાછળ તિક્ષ્ણ હથીયાર કે બીજી કોઇ ચીજવસ્તુ ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જણાતાં પોલીસને જાણ કરતાં મુળી પોલીસ આવી ગઇ હતી અને પંચનામુ કરી મૃતદેહને મુળી સરકારી દવાખાને ખસેડયો હતો. ત્યાંથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મૃતદેહ લાવવામાં આવ્યો હતો.
મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું કે મારા ભાઇ કેતનને કોઇની સાથે કોઇ ઝઘડો નહોતો. તેને કોણે મોતને ઘાટ ઉતાર્યો તેની મને કોઇ પર શંકા નથી. પીએસઆઇ એ. એ. જાડેજાએ ગુનો નોંધી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.