‘પતિના લગ્નેતર સંબંધો ક્રૂરતા કે આત્મહત્યા માટે ઉશ્કેરણીના દાયરામાં આવતા નથી’, દિલ્હી હાઇકોર્ટની મોટી ટિપ્પણી
ન્યાયાધીશ સંજીવ નરુલાએ જણાવ્યું હતું કે લગ્નેત્તર સંબંધ દહેજ હત્યા માટે પતિને ફસાવવાનો આધાર નથી જ્યાં સુધી કથિત સંબંધ અને દહેજની માંગ વચ્ચે કોઈ સંબંધ ન હોય.

Delhi High Court News: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે કોઇ વ્યક્તિના લગ્નેત્તર સંબંધો ત્યાં સુધી ક્રૂરતા અથવા આત્મહત્યા માટે ઉશ્કેરણીના દાયરામાં આવતા નથી જ્યાં સુધી એ સાબિત ના થાય કે તેનાથી પત્નીને મુશ્કેલી કે દુઃખ થયું છે. ન્યાયાધીશ સંજીવ નરુલાએ જણાવ્યું હતું કે લગ્નેત્તર સંબંધ દહેજ હત્યા માટે પતિને ફસાવવાનો આધાર નથી જ્યાં સુધી કથિત સંબંધ અને દહેજની માંગ વચ્ચે કોઈ સંબંધ ન હોય.
કોર્ટે વ્યક્તિને જામીન આપ્યા હતા જેને લગ્નના લગભગ પાંચ વર્ષની અંદર 18 માર્ચ, 2024ના રોજ તેના સાસરિયામાં પત્નીના અકુદરતી મૃત્યુ બાદ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) ઉપરાંત કલમ 498એ (ક્રૂરતા), 304-બી (દહેજ હત્યા) હેઠળના એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે કહ્યું હતું કે, “પ્રોસિક્યુશન પક્ષે એવી સામગ્રી રજૂ કરી છે કે અરજદારનો એક મહિલા સાથે લગ્નેત્તર સંબંધ હતો. આના સમર્થનમાં કેટલાક વીડિયો અને ચેટ રેકોર્ડ્સ ટાંકવામાં આવ્યા છે. જસ્ટિસ નરુલાએ કહ્યું, “આવો સંબંધ હતો એવું માનીને પણ કાયદામાં એ વાત નક્કી છે કે લગ્નેત્તર સંબંધ IPCની કલમ 498A હેઠળ ક્રૂરતા અથવા કલમ 306 હેઠળ ઉશ્કેરણીના દાયરામાં આવતો નથી, સિવાય કે એવું દર્શાવવામાં આવે કે આ સંબંધ કોઈને હેરાન કરવા અથવા ત્રાસ આપવા માટે બાંધવામાં આવ્યા હતા.
આરોપીને જેલમાં રાખવાથી કોઈ ફાયદો નહીં થાય - કોર્ટ
ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, “લગ્નેતર સંબંધો કલમ 304 બી હેઠળ આરોપીને ફસાવવાનો આધાર ન હોઈ શકે. કોર્ટે કહ્યું છે કે ઉત્પીડન અથવા ક્રૂરતાને દહેજની માંગ અથવા "મૃત્યુ પહેલાં" થયેલી માનસિક ક્રૂરતા સાથે જોડવી જોઈએ. માર્ચ 2024થી કસ્ટડીમાં રહેલા વ્યક્તિનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે તેને સતત જેલમાં રાખવાથી કોઈ ફાયદો થશે નહીં. કોર્ટે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થવાની શક્યતા ઓછી છે.
કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો
કોર્ટે કહ્યું કે પુરાવા સાથે છેડછાડ કરવાનો કે તેના ન્યાયના દાયરામાં છટકી જવાનો કોઈ ભય નથી. કોર્ટે તેમને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના બે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. મહિલાના પરિવારે આરોપ લગાવ્યો હતો કે પતિને તેની સહકર્મી સાથે અફેર હતું અને જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેની પત્ની સાથે મારપીટ કરી હતી.
આ વ્યક્તિ પર તેની પત્ની સામે વારંવાર ઘરેલુ હિંસા કરવાનો અને તેની પત્ની દ્વારા ખરીદેલી કારના માસિક હપ્તા માટે તેના પરિવાર પર દબાણ કરવાનો પણ આરોપ હતો. કોર્ટે કહ્યું કે મહિલા કે તેના પરિવારે એવી કોઇ ફરિયાદ ત્યારે કરી નહોતી જ્યારે મહિલા જીવિત હતી એટલા માટે પ્રાથમિક દ્રષ્ટીએ દહેજ સંબંધિત ઉત્પીડનનો દાવો નબળો પડે છે.





















