ગાંધીનગર મોડલ યુવક હત્યા કેસ: ‘સાઈકો કિલર’ વિપુલ પરમાર ઝડપાયો, લગ્ન ન થતા યુગલોને બનાવતો હતો નિશાન
આ ઘટનામાં વૈભવનો જન્મદિવસ ઉજવવા ગયેલા યુગલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વૈભવનું મૃત્યુ થયું હતું અને તેની મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

Gandhinagar murder case: ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલ મોડલ યુવક વૈભવ મનવાણીની હત્યાના ગુનાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસના આરોપી વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે વિપુલ એક 'સાઈકો કિલર' છે, જેનાં લગ્ન ન થતાં તે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો અને પ્રેમી યુગલોને લૂંટ તથા હત્યા માટે નિશાન બનાવતો હતો. આ ઘટનામાં વૈભવનો જન્મદિવસ ઉજવવા ગયેલા યુગલ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વૈભવનું મૃત્યુ થયું હતું અને તેની મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
ઘટનાક્રમ: જન્મદિવસની રાત્રિ બની કાળરાત્રિ
20 સપ્ટેમ્બરના રોજ, વૈભવ મનવાણી પોતાની મિત્ર સાથે ગાંધીનગર નજીક અંબાપુર ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પાસે કારમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. આશરે રાત્રે 1.15 વાગ્યે, એક અજાણ્યો શખ્સ ત્યાં આવ્યો અને કારનો દરવાજો ખોલી લૂંટના ઇરાદે બંનેને ધમકાવ્યા. જ્યારે વૈભવે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે શખ્સે છરી વડે તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં વૈભવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે તેની મિત્રને પણ 3 જેટલા ઘા વાગ્યા અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. લૂંટારો રોકડ, મોબાઈલ અને અન્ય કિંમતી વસ્તુઓ લઈને વૈભવની કારમાં ભાગી છૂટ્યો, પરંતુ થોડે દૂર કાર બંધ થઈ જતાં તેને ત્યાં જ છોડીને નાસી ગયો.
ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીએ હિંમત દાખવી અને લગભગ અડધો કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા પર પહોંચી, જ્યાં એક દંપતીની મદદથી તેણે પોતાના પિતાને જાણ કરી. ત્યારબાદ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ યુવતીએ જ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી.
‘સાઇકો કિલર’ની ધરપકડ અને તેનું મનોવૈજ્ઞાનિક કારણ
આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે બનાવ સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ)ના આધારે ભૂતકાળમાં આવા ગુનાઓ કરનાર આરોપીઓની યાદી તૈયાર કરી. આખરે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે આ ગુનાનો આરોપી વિપુલ પરમાર છે, જે રાજકોટના માંડા ડુંગરમાં છુપાયેલો છે. પોલીસે તેને ત્યાંથી ઝડપી પાડ્યો.
પોલીસની તપાસમાં વિપુલ પરમારની માનસિકતા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. વિપુલ પેરોલ પર છૂટેલો ગુનેગાર છે અને તે અગાઉ પણ આવા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તેના પિતા સીઆરપીએફમાં નોકરી કરતા હતા અને તેની માતા તેમને છોડીને જતી રહી હતી. બાદમાં તેના પિતાએ બીજા લગ્ન કર્યા, પરંતુ તેની સાવકી માતા તેના પ્રત્યે સારો વ્યવહાર રાખતી ન હતી. આ ભેદભાવ અને લગ્ન ન થવાની ચિંતાને કારણે તે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો.
મેટ્રિમોનિયલ સાઇટ પર પણ તેણે લગ્ન માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. આ હતાશા અને ગુસ્સાને કારણે તે પ્રેમી યુગલોને જોતા જ ઉશ્કેરાઈ જતો અને લૂંટના બહાને તેમના પર હુમલો કરતો હતો. આ ઘટનાઓ તેના મનોવિકૃત સ્વભાવનો પુરાવો આપે છે.





















