અરવલ્લીમાં હની ટ્રેપનો પ્રથમ કેસ, ગુજરાતી આલ્બમની અભિનેત્રીએ યુવકને ફસાવી 7 લાખ પડાવ્યાં, જાણો કોણ છે આ અભિનેત્રી
Aravalli Honey trap case : અભિનેત્રીએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી અને બંને જણા થોડા સમય બાદ લગ્ન કરી લઈશુ તેવું કહી યુવક પાસેથી રૂપિયા ખંખેરવાના ચાલુ કર્યા.
Aravalli News : અરવલ્લી જિલ્લામાં હનીટ્રેપનો પ્રથમ કેસ નોંધાયો છે, આ કેસ ધાનસુરા તાલુકામાં નોંધાયો છે. મોજ શોખ પુરા કરવા અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવવા માટે ગુજરાતી આલ્બમની એક અભિનેત્રીએ અરવલ્લીના ધનસુરાના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યુ છે.
યુવકને ફસાવનાર કોણ છે આ અભિનેત્રી?
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં જિલ્લામાં પ્રથમ હની ટ્રેપની ઘટના સામેં આવી છે જેમાં ધનસુરાનાના જીનેશ પટેલ નામના યુવકને ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી આલ્બમની અભિનેત્રી યશ્ચિ (યશવી) પટેલ સાથે મિત્રતા થઈ હતી ત્યારે બાદ યુવક જીનેશ પટેલ અભિનેત્રી યશ્વિ પટેલના પરિવારને મળ્યો હતો અભિનેત્રીએ યુવકને “તને પ્રેમ કરું છું અને લગ્ન પણ તારી સાથેજ કરીશ” તેવું કહી પ્રેમજાળમાં ફસાવ્યો હતો.
જુદા જુદા બહાને 7 લાખ રૂપિયા પડાવ્યાં
અભિનેત્રીએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેને તેના પરિવાર સાથે મુલાકાત કરાવી અને બંને જણા થોડા સમય બાદ લગ્ન કરી લઈશુ તેવું કહી યુવક પાસેથી રૂપિયા ખંખેરવાના ચાલુ કર્યા. શોપીંગના બહાને, ફી ભરવાના બહાને, પપ્પા બીમાર છે તેવું કહી યુવક પાસેથી આ અભિનેત્રીએ 7 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે.
યુવકે અભિનેત્રી સામે ફરિયાદ દાખલ કરી
અભિનેત્રી દ્વારા અવારનવાર રૂપિયાની મંગણીઓ કરવામાં આવતા યુવક પોતાને છેતરાતો હોવાનું જણાઈ આવતા યુવકે અભિનેત્રીની માંગણીઓ પુરી કરવાનું બંધ કરી દેતા અભિનેત્રીએ યુવકનો સંપર્ક બંધ કરી દીધો હતો. ત્યારબાદ યુવક નાસીપાસ થઈ જતા સામાજિક આગેવાનો અને સામાજિક યુવાનોએ હિમ્મત આપતા તેને ધનસુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ અભિનેત્રી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અભિનેત્રી સહીત ત્રણ લોકો સામે કેસ
આ મામલે અરવલ્લી પોલીસે હનીટ્રેપમાં ફસાવી યુવક પાસેથી રૂપિયા ખંખેરનાર અભિનેત્રી યશ્ચિ પટેલ સહિત અન્ય ત્રણ જણા સામે ફરિયાદ નોંધી હનીટ્રેપની ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને જિલ્લામાં આવા અન્ય કોઈ યુવકો હનીટ્રેપના શિકાર થયા હોય તે અરવલ્લી પોલીસનો સંપર્ક કરે, ભોગ બનનારનું નામ ગોપનીય રાખવામાં આવશે તેવી અપીલ અરવલ્લી જિલ્લા પોલીસવડાએ કરી છે.