Kerala: પહેલા પત્નીનું ગળું કાપી હત્યા કરી, ફેસબુક લાઈવ પર કબૂલ કર્યો પોતાનો ગુનો
કેરળના કોલ્લમમાંથી એક ખૂબ જ ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે

કેરળના કોલ્લમમાંથી એક ખૂબ જ ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની પત્નીનું ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પછી ફેસબુક પર લાઈવ આવીને તેનો ગુનો કબૂલ્યો હતો. લોકોએ જે જોયું અને સાંભળ્યું તેનાથી લોકો દંગ રહી ગયા હતા.
પોલીસે સોમવારે જણાવ્યું હતું કે કોલ્લમના પુનાલુરમાં આ ચોંકાવનારી હત્યા થઈ છે. જ્યાં કૂથનદીમાં એક 39 વર્ષીય મહિલાની તેના પતિએ ગળુ કાપીને હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ફેસબુક લાઈવ કરીને પત્નીની હત્યા કર્યાનો સ્વીકાર કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ શાલિની તરીકે થઈ છે, જે કોલ્લમના વલક્કુડુના પ્લાચેરીના કુથનદીની રહેવાસી છે. સૌથી આઘાતજનક ઘટના એ હતી કે તેના પતિ ઈસહાકે પુનાલુર પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારબાદ તેણે પોલીસને આખી ઘટના જણાવી હતી. પોલીસ તેની વાત સાંભળીને ચોંકી ઉઠી હતી.
ચોંકાવનારો ખુલાસો
પોલીસે આ સંદર્ભમાં ગુનો નોંધ્યો છે. FIR મુજબ, દંપતીને વૈવાહિક જીવનમાં અનેક સમસ્યાઓ હતી. FIRમાં જણાવાયું છે કે સવારે લગભગ 6:30 વાગ્યે જ્યારે શાલિની ન્હાવા ગઈ ત્યારે આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો, જેનાથી તેણીની ગરદન, છાતી અને પીઠ પર ઊંડા ઘા થયા હતા.
ત્યારબાદ આરોપી પતિએ છરી વડે પત્નીનું ગળું કાપી નાખ્યું હતું. ઘટના પછી તરત જ હત્યારાએ ફેસબુક પર લાઈવ થઈને તેની પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. તેણે શાલિની પર બેવફા અને ઘરેણાંની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.
આરોપી પોતે પોલીસ સ્ટેશન ગયો
પોલીસના જણાવ્યા અનુસાર, ગુનો કર્યા પછી તે પોતે પોલીસ સ્ટેશન ગયો અને પોલીસને તેની પત્નીની હત્યાની જાણ કરી હતી. તેના નિવેદનથી અધિકારીઓ ચોંકી ગયા હતા. પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે ઈસહાકના ઘરે પહોંચી તપાસ શરૂ કરી હતી.
કોલ્લમ પોલીસના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે શાલિનીનો મૃતદેહ બાદમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. દંપતીના 19 વર્ષના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 103(1) (હત્યા) હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તે ઘરની તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે પીડિતા અને આરોપી બંનેના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.




















