Surat Crime: ફિલ્મી દ્રશ્યો સર્જાયા, સલમાન લસ્સીએ PI પર છરીથી હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું
સુરત શહેરમાં આતંક મચાવનાર સલમાન લસ્સી આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ધરપકડ દરમિયાન સલમાન લસ્સીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરતા તેના પગમાં ગોળી મારવામાં આવી હતી.

સુરત: સુરત શહેરમાં આતંક મચાવનાર સલમાન લસ્સી આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ધરપકડ દરમિયાન સલમાન લસ્સીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કરતા તેના પગમાં ગોળી મારવામાં આવી હતી. સુરતના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં સલમાનનો આતંક હતો. તેના પર હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયા છે. પોલીસ પકડથી બચવા સલમાન નવસારી જિલ્લાના મરોલી ખાતે આવેલ ડાભેલના આશિયાના મહોલ્લામાં છુપાઈને બેઠો હતો
સલમાન લસ્સી વોન્ટેડ હતો
સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં ત્યારે અફરાતફરી મચી ગઈ જ્યારે માથાભારે સખ્સ સલમાન લસ્સીને ક્રાઈમ બ્રાન્ચ સુરત નવી સિવિલ હોસ્પિટલ લાવી. સલમાન લસ્સીએ ભેસ્તાન વિસ્તારમાં હત્યા કરી હતી જેમાં તે વોન્ટેડ હતો. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ આરોપી સલમાનને પકડવા પહોંચી ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂ કરી છે.
સ્વબચાવમાં પોલીસે સર્વિસ રિવોલ્વરથી પગમાં ગોળી મારી
ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમ ચોક્કસ બાતમીના આધારે સલમાન લસ્સીની ધરપકડ કરવા વહેલી સવારના 3 વાગ્યે નવસારીના ડાભેલ ગામે પહોંચી હતી. સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. 3.15 વાગ્યાની આસપાસ ધરપકડથી બચવા માટે સલમાન લસ્સીએ સૌથી પહેલા બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતું. આ દરમિયાન તેણે PI પી. કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં PI પી. કે. સોઢાએ પોતાના સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી.
સલમાન લસ્સીનો સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તામાં આતંક હતો
સલમાન લસ્સી પર માત્ર મારામારી જ નહીં, પરંતુ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી સહિતના અલગ-અલગ 15 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. સલમાન લસ્સી હાલમાં જ ભેસ્તાન ભીંડી બજાર સ્થિત ખલીલ ટી-સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો. મારમારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીનો સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન વિસ્તારમાં ખુબ આતંક હતો. આરોપી સલમાન સિવિલ હોસ્પિટલમાં તડપતો નજરે પડ્યો હતો. પોલીસના ફાયરિંગથી સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગતા ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ ટીમે તાત્કાલિક તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.





















