Surat Crime: સુરતની હોટલમાંથી નીચે પટકાતા યુવકના મોત મામલે શું થયો મોટો ખુલાસો, જાણો
સુરતના ડિંડોલી વિસ્તારમાં હોટલમાંથી નીચે પટકાતા રહસ્યમય મોત મામલે નવો ખુલાસો થયો છે. રૂપિયાની લેતીદેતીમા મૃતક રાકેશ ચોધરીનું અપહરણ થયું હતું.
સુરત: સુરતના ડિંડોલી વિસ્તારમાં હોટલમાંથી નીચે પટકાતા રહસ્યમય મોત મામલે નવો ખુલાસો થયો છે. રૂપિયાની લેતીદેતીમા મૃતક રાકેશ ચોધરીનું અપહરણ થયું હતું. જેના પત્ની પૂજા રાકેશ ચોધરીએ પતિની હત્યાનો આરોપ લગાવ્યો છે. 6 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ અને આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ કરવામાં આવી છે.એક વ્યક્તિનું સુરતની હોટલના બાથરૂમની બારીમાંથી નીચે પટકાતા મોત થયુ હતુ. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા હતા. સાડીના વેપારીનું પૂણેથી અપહરણ થયાનો ખુલાસો થયો છે.
પૈસાની ઉઘરાણી કરી મરવા માટે મજબૂર કર્યો હોવાનો આરોપ
40 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી મરવા માટે મજબૂર કર્યો હોવાનો આરોપ છે. મૃતક વેપારીએ પત્નીને કહ્યું હતું કે આ તેનો છેલ્લો ફોન છે. 7 ઓગસ્ટથી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈનના રૂમ નંબર 104માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપહરણ કરી લાવ્યા હતા. હોટલમાં ગોંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણીથી કંટાળીને રાકેશે 8 ઓગસ્ટના રોજ 5 વાગ્યે આસપાસ હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી. ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હોટેલના ચોથા માળેથી નીચે પટકાયેલા યુવકનું મોત થયું હતું
સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી હોટેલના ચોથા માળેથી નીચે પટકાયેલા યુવકના મોત કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. યુવક મૂળ રાજસ્થાનનો વતની છે અને સાડીના વેપાર સાથે સંકળાયેલો યુવક પુણેનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. રૂપિયા 40 લાખની લેતીદેતી મામલે સુરતના ચાર જેટલા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા પુણે ખાતેથી વેપારીનું અપહરણ કરી સુરત લઈ આવવામાં આવ્યો હતો. જે બાદ રૂપિયાની વસુલાત માટે તેને હોટેલના એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યો હતો. પત્નીને અંતિમ ફોન કર્યા બાદ વેપારીએ હોટેલના રૂમમાં આવેલા બાથરૂમની કાચવાળી બારી તોડી ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટનામાં મૃતકની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ચાર લોકો વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારજનો તાત્કાલિક સુરત દોડી આવ્યા
પુણેની રહેવાસી પૂજા ચૌધરીના પતિએ ત્રણ દિવસ અગાઉ સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી ડિનાઇટ ઇન હોટલના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. જોકે આ ઘટના સમયે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવકનું નામ રાકેશ પંચારામ ચૌધરી હોવાનું ખુલ્યું હતું. જે મૂળ રાજસ્થાનનો વતની અને પુણે મહારાષ્ટ્રનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. ડીંડોલી પોલીસે પુણે રહેતી રાકેશ પંચારામ ચૌધરીની પત્ની પૂજા ચૌધરીનો સંપર્ક કર્યો હતો. રાકેશના મોત અંગેના સમાચાર મળતા પૂજા અને તેના પરિવારજનો તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા.
સુરત આવી પહોંચેલી પૂજા ચૌધરી નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં પતિ રાજેશની લાશ જોઈ બેભાન થઈ ઢળી પડી હતી. પતિના મોતના પગલે પત્નીના પગ નીચેથી જમીન સરકી પડી હતી. જ્યાં આંખોમાં આંસુ લઈ અને હૈયાફાટ રૂદન કરી રહેલી પત્નીએ પોતાના પતિનું ચારથી વધુ લોકો દ્વારા અપહરણ કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. પત્ની પૂજા ચૌધરીએ જણાવ્યું હતું કે પતિ રાકેશ કર્ણાટકના મદુરાઈ જવા માટે નીકળ્યો હતો. પરંતુ પુણે ખાતેથી તેનું ચારથી વધુ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જે લોકો દ્વારા અપહરણ કરી પતિને સુરત લઈ આવવામાં આવ્યો હતો. જ્યાં અપહરણ કરનારાઓ દ્વારા રૂપિયા 40 લાખની ઉઘરાણી અર્થે રાકેશને પોતાની જોડે લઈ જઈ રહ્યા હોવાની વાત જણાવી હતી. એટલું નહીં પરંતુ આ શખ્સો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારા પતિને કોઈપણ પ્રકારની ઇજા કે જાનહાની નહીં અને અમારા પર ભરોસો રાખો. તેમ કહી મોબાઇલ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
છેલ્લો ફોન સુરતના ડીંડોલીમાંથી આવ્યો હતો
ત્યારબાદ અંતિમ કોલ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી આવ્યો હતો જ્યાં તેઓ પોતે એક હોટલમાં ફસાયા હોવાની હકીકત જણાવી હતી. અપહરણ કરી લઈ ગયેલા શખ્સોએ હોટલના રૂમમાં ગોંધી રાખ્યો છે તેવી વાત જણાવી હતી. જે લોકો દ્વારા પોતાની પાસે 40 લાખ રૂપિયા જેટલી ઉઘરાણી કરી માનસિક ટોર્ચિંગ કરી રહ્યા હોવાની પણ વાત જણાવી હતી. અંતિમ કોલ આવ્યા બાદ રાકેશનો ફોન બંધ આવી રહ્યો હતો. જ્યાં બીજા દિવસે સુરતની ડીંડોલી પોલીસ દ્વારા ટેલિફોનિક રાકેશના મોતની જાણકારી આપી હતી.
આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ
મૃતક રાકેશ પંચારામ ચૌધરીના સાળા દર્શન સગરે જણાવ્યું હતું કે, પોતાના બનેવી સાડીના વેપાર સાથે સંકળાયેલા છે. અપહરણકારો દ્વારા બનેવીનું અપહરણ કરી લઈ ગયા હતા. જ્યાં બળજબરીપૂર્વક 40 લાખની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. આ આપઘાત નહી પરંતુ બનેવીની હત્યા કરવામાં આવી છે. જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ છે.
ડીંડોલી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની પત્ની પૂજા ચૌધરી દ્વારા ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી છે. જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ચાર વ્યક્તિઓ પુણે ખાતે આવ્યા હતા. જેમાં સુશીલ જોશી, જતીન, હરીશ ગૌતમ અને જયેશ નામના શખ્સો રાકેશ પાસે રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. પુણેથી તેમના પતિ સુરત આવ્યા હતા. જ્યાં છેલ્લા બે ત્રણ દિવસથી આ બાબતે પતિ દ્વારા તેમને વાતચીત કરવામાં આવી હતી. ત્યારબાદ પતિ રાકેશ દ્વારા અવારનવાર કોલ કરી પત્ની પૂજા પાસે રૂપિયાની વ્યવસ્થા કરવા જણાવાયું હતું. પતિ રાકેશે પત્ની પૂજા જોડે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તમામ લોકો 40 લાખ રૂપિયાની તેની પાસે માંગણી કરી રહ્યા છે. પતિ રાકેશ ડીંડોલી ખાતે આવેલી હોટેલમાં રોકાયા હતા. જે હોટલના ઉપરથી મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જે સંદર્ભે ડીંડોલી પોલીસ દ્વારા મૃતકની પત્નીની ફરિયાદના આધારે ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જે ગુનામાં ચારે આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે કે પતિનું પુણે ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. જે પાસાને ધ્યાનમાં રાખી પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રાકેશ પંચારામ ચૌધરી પુણેનો રહેવાસી હતો અને બેંગ્લોર ખાતે કાપડનો વ્યવસાય કરતો હતો. જ્યારે તમામ આરોપીઓ ડીંડોલી વિસ્તારના રહેવાસી છે અને ફાઇનાન્સ તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. વેપારી અને હાલ ફરાર આરોપીઓ વચ્ચે રૂપિયાની કઈ રીતે લેવડ-દેવડ થઈ છે તેની તપાસ પણ હાલ પોલીસ કરી રહી છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં પુણેના કાપડ વેપારીના આપઘાત કેસમાં હાલ તમામ ફાઇનાન્સ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચારે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. હાલ પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.