'સમજદાર યુવતી પ્રથમ મુલાકાતમાં હોટલના રૂમમાં ન જાય', હાઇકોર્ટે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો
બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કરતા મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી
બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કરતા મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે કોઈ પણ સમજદાર યુવતી તેની પ્રથમ મુલાકાતમાં કોઇ અજાણ્યા યુવક સાથે હોટલના રૂમમાં જશે નહી કારણ કે આ વર્તન તેને તે યુવકના ઇરાદાઓથી ‘સાવધાન’ કરી દેશે. જસ્ટિસ ગોવિંદ સનાપે એક એવા દુષ્કર્મના કેસમાં પીડિતાના નિવેદનનો અસ્વીકાર કર્યો હતો જેમાં પીડિતાએ કહ્યું હતું કે તે આરોપીને ફેસબુક મારફતે મળી હતી અને પછી બંન્ને વચ્ચે ફોન પર વાતચીત શરૂ થઇ હતી.
"No Girl Would Accompany An Unknown Boy To A Hotel Room On Their First Meeting": Bombay High Court Acquits Man Booked For Rape | @NarsiBenwalhttps://t.co/vGtgHGzZpQ
— Live Law (@LiveLawIndia) September 11, 2024
જાણો શું છે કેસ?
આ કેસમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી 2017માં અન્ય જિલ્લામાં રહેતો યુવક યુવતીને તેની કોલેજમાં મળવા આવે છે. માર્ચ 2017માં તેણે યુવતીને તેની પાસેની હોટલમાં મળવા બોલાવી હતી. યુવતીના કહેવા પ્રમાણે, યુવકે તે હોટલમાં પહોંચી જ્યાં યુવકે એક રૂમ બુક કર્યો હતો. જેથી તેઓ કોઇ જરૂરી મુદ્દાઓ પર વાતચીત કરી શકે. હોટલના રૂમમાં પ્રવેશ્યા બાદ બંન્ને વચ્ચે પરસ્પર સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે યુવકે તેની આપત્તિજનક તસવીરો ક્લિક કરી હતી અને તેને ફેસબુક પર અપલોડ કરી દીધી હતી. સાથે આ તસવીરો તેના પરિવારજનો અને મંગેતરને પણ મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે યુવક સાથે સંબંધો તોડી નાખ્યા હતા.
આ પછી પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે યુવકે તેની પ્રાઇવેટ તસવીરો તેના મંગેતરને મોકલી હતી જેના કારણે ઓક્ટોબર 2017માં તેણે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
કોર્ટની ટિપ્પણી
કોર્ટે આ નિવેદનને "અવિશ્વસનીય" ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે પીડિતાએ સ્પષ્ટતા કરી નથી કે તે હોટલમાં છોકરાને ક્યારે મળી હતી અને કેવી રીતે તેને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે "પીડિતા આરોપીને પહેલીવાર હોટલમાં મળી હતી. તે અગાઉ તેની સાથે પરિચિત નહોતી. મારા મતે પીડિતાનું આ વર્તન સામાન્ય સંજોગોમાં સમજદાર વ્યક્તિના વર્તનને અનુરૂપ નથી."
ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે, "પહેલીવાર અજાણ્યા છોકરાને મળનારી છોકરી હોટલના રૂમમાં જશે નહીં. આવા વર્તનથી છોકરીને ચોક્કસપણે ચેતવણી મળવી જોઇતી હતી. મારી નજરમાં હોટલના રૂમમાં બનેલી ઘટના સંપૂર્ણપણે અવિશ્વસનીય લાગે છે.
કોર્ટે એ પણ અવલોકન કર્યું કે પીડિતાએ ઘટના પછી કોઈ બૂમો પાડી નહોતી. તેણે મદદ મેળવવાનો કોઇ પ્રયાસ કર્યો નહોતો. કોર્ટે કહ્યું કે જો કોઈ છોકરી પહેલીવાર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હોટલના રૂમમાં જાય છે અને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે તો તે ચોક્કસપણે અવાજ ઉઠાવશે અથવા મદદ માંગશે.
કોર્ટે વધુમાં કહ્યું કે પીડિતા અને તેના પિતાની જુબાનીમાં ઘણા વિરોધાભાસ હતા. પીડિતાના પિતાએ જણાવ્યું કે જ્યારે આરોપીએ માર્ચ 2017માં ફોટો અપલોડ કર્યો ત્યારે તેમને આરોપીઓની હરકતો વિશે જાણ થઈ પરંતુ તેમ છતાં ઓક્ટોબર 2017માં કેસ નોંધવામાં આવ્યો, જે એક સવાલ ઉભો કરે છે.
આખરે કોર્ટે તારણ કાઢ્યું કે પીડિતા અને અન્ય સાક્ષીઓની જુબાની તેમજ તબીબી પુરાવાઓ મજબૂત કેસ બનાવતા નથી. આથી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતા. આ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે કોર્ટે કેસની તમામ પરિસ્થિતિઓ અને સાક્ષીઓના નિવેદનોનું ગંભીરતાથી વિશ્લેષણ કર્યું અને તથ્યોના આધારે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો હતો.