(Source: ECI/ABP News/ABP Majha)
JUNAGADH : ત્રણ શખ્સોએ યુવાનની હત્યા કરી ખુલ્લી જગ્યામાં નાખી દીધો મૃતદેહ, કંકાલ મળી આવ્યું
Murder in Junagadh : ઘણા દિવસો સુધી મૃતક સંજય ચૌહાણ ઘરે ન આવતા તેમના પરિવારજનોએ મૃતક ગમ થયા હોવાની પોલિસ ફરીયાદ નોંધાવી હતી.
JUNAGADH : જૂનાગઢમાં હત્યાની હડકંપ મચાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં ત્રણ શખ્સોએ એક યુવાનની નિર્દયતાપૂર્વક હત્યા કરી તમામ પુરાવાઓનો નાશ કરી મૃતકના મૃતદેહને ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો હતો, જેના હાડકા મળી આવતા હડકંપ મચી ગયો છે. ખુલ્લી જગ્યામાં માનવ કંકાલ મળી આવતાચકચાર મચી જવા પામી હતી.
અજય કોળી, સંજય આદિવાસી અને એક સગીર સહિત ત્રણ શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ મૃતક સંજય ચૌહાણનું મોટરસાઇકલ પણ તળાવમાં ફેંકી દીધું હતું. ઘણા દિવસો સુધી મૃતક સંજય ચૌહાણ ઘરે ન આવતા તેમના પરિવારજનોએ મૃતક ગમ થયા હોવાની પોલિસ ફરીયાદ નોંધાવી હતી.
બાદમાં પોલીસે કોલ ડીટેલના આધારે આરોપીઓ સુધી પહોંચી તેમની ધરપકડ કરી હતી.આ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીની ઘરપકડ કરી અને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ ત્રણ યુવાનોએ મળીને પથ્થરના ઘા ઝીંકીને આ યુવાનની હત્યા કરી હતી અને બાદમાં તેનો મૃતદેહ જંગલ વિસ્તારમાં ફેંકી દીધો હતો. આરોપીઓએ હત્યા બાદ તમામ પુરાવાનો નાશ કર્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી સંજય આદિવાસીની પિતરાઈ બહેન જોડે મૃતકનાં પ્રેમ સંબંધ હોવાના કારણે તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ આ મામલે અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે નહિ તે દિશામાં તપાસ હાથ ધરી મૃતકના માનવ કંકાલના રિપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરશે.
આસામમાં જીગ્નેશ મેવાણીની બીજા કેસમાં ધરપકડ
આસામ પોલીસે ફરી એકવાર ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ (Jignesh Mevani Re Arrested) કરી છે. આસામની બારપેટા પોલીસે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમના ટ્વિટ સંબંધિત કેસમાં જામીન મળ્યા બાદ જ અન્ય કેસમાં ફરીથી ધરપકડ (Jignesh Mevani Arrested) કરી છે. જીગ્નેશ મેવાણીના વકીલ અંગશુમન બોરાએ મીડિયાને આ માહિતી આપી છે. ધારાસભ્ય જીગ્નેશની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે જામીન મળ્યા બાદ તરત જ તેની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ફરીવાર ધરપકડ (Jignesh Mevani Re Arrested) બાદ મેવાણીને કોકરાઝાર જિલ્લામાંથી બારપેટા લઈ જવામાં આવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા ફોટો સેશન માટે દોડી આવ્યાં, સ્થાનિકોએ કર્યો વિરોધ
આ ઘટના સુરતના ઉમરા વેલાંજા ગામે બની, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ કરવામાં આવ્યો. સ્થાનિકોએ આ ગામમાં રોડ માટે અનેક રજૂઆતો કરી હતી. આમ સ્થાનિકોએ રોડ મંજુર કરાવ્યો હતો અને નવો રોડ બન્યો હતો. પરંતુ આ નવા રોડના કામનો જશ લેવા અને પ્રસિદ્ધિ લેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ દોડી આવ્યા અને ફોટો સેશન કરવા લાગ્યા. જો કે સ્થાનિકોએ આક્રોશ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓનો વિરોધ કર્યો હતો અને તેમને ભગાડ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીના નેતાઓને ફોટો સેશનમાં જ રસ છે, કામ કરવામાં રસ નથી.