9 થી 12 ધોરણ સુધીના શિક્ષકોની ભરતી માટે હવે TET થશે ફરજિયાત, NCTEએ કરી ભલામણ
ગઈકાલે યોજાયેલી TET પરની રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી
નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એ શિક્ષકોની ભરતી માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. નિયમ મુજબ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશને માધ્યમિક સ્તર (વર્ગ 9 થી 12) પર TET ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. ગઈકાલે યોજાયેલી TET પરની રાષ્ટ્રીય પરિષદમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાઉન્સિલે સીબીએસઇ સાથે પાર્ટનરશીપ કરીને ટીચર એલિજિબિલીટી ટેસ્ટ એટલે કે 'ટેટ' પર ચર્ચા કરવા માટે એક દિવસ માટે નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ભલામણ કરવામાં આવી હતી. આ અંતર્ગત શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકોએ પણ TET (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ) આપવી પડશે. જે આગામી શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ થશે. અત્યાર સુધી, શાળાઓમાં ધોરણ 1 થી ધોરણ 8 સુધી ભણાવતા શિક્ષકો માટે જ TET ફરજિયાત હતું. હાલમાં આ સિસ્ટમ કેન્દ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. જેને રાજ્યો પણ અપનાવી શકે છે.
નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન (NCTE) એ સોમવારે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) સંબંધિત નેશનલ કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રસંગે કાઉન્સિલના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ સિંહે જણાવ્યું હતું કે માર્કસ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે શિક્ષણ પ્રણાલીનું ધ્યાન વિદ્યાર્થીઓના વિકાસ અને મૂલ્યો પર હોવું જોઈએ. જે ત્યારે જ શક્ય બને છે જ્યારે તેમને ભણાવતા શિક્ષકો આ સમજ ધરાવતા હોય.
આ પ્રસંગે એનસીટીઇના સચિવ કેસાંગ વાઇ શેરપાએ શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધી ભણાવતા શિક્ષકો માટે આગામી શૈક્ષણિક સત્રથી TET યોજવા અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ દિશામાં ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે.
હાલમાં શાળાઓમાં ધોરણ 9 થી 12 ભણાવતા શિક્ષકો માટે આ ફરજિયાત ન હતું. નોંધનીય છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ધોરણ 1 થી ધોરણ 12 સુધી ભણાવતા તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાની ભલામણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે નિધિ છિબ્બરે કહ્યું હતું કે એક શિક્ષકની ક્ષમતા જ ક્લાસમાં એક સ્વસ્થ વાતાવરણ બનાવી શકે છે એટલા માટે ટીઇટી એક શિક્ષકની ક્ષમતા સમજવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
તેમણે કહ્યું હતું કે સીબીએસઇ લાંબા સમયથી ટીઇટી પરીક્ષાનું આયોજન કરે છે. તેની પાસે એક લાંબો અનુભવ છે. અમે એનસીટીઇ સાથે આ સંદર્ભમાં ડેટા શેર કરીશું અને ભાવિ યોજનાઓને સાથે મળીને લાગુ કરીશું.
નેશનલ કાઉન્સિલના ટીઇટી કન્વિનર અભિમન્યુ યાદવે સ્કૂલ શિક્ષકોની ગુણવતા અને ક્ષમતામાં સુધારમાં ટીઇટીની ભૂમિકા પર પ્રકાશ ફેંક્યો હતો. આ દરમિયાન યાદવે પરીક્ષા પ્રક્રિયા, પાત્રતા માપદંડ અને સ્કૂલોમાં યોગ્ય ટીચિંગ પ્રોફેશનલ્સની પસંદગીને સુનિશ્વિત કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI