UP Election Result 2022: UPમાં ફરી યોગીરાજ, ભાજપે રચ્યો ઇતિહાસ, જાણો જીતના પાંચ કારણો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભાજપે રાજ્યની રાજનીતિના તમામ જૂના સમીકરણોને નષ્ટ કરીને ઇતિહાસ રચ્યો છે
UP Assembly Election Result 2022:ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભાજપે રાજ્યની રાજનીતિના તમામ જૂના સમીકરણોને નષ્ટ કરીને ઇતિહાસ રચ્યો છે. ભાજપ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રાજ્યમાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે. ભાજપ અત્યાર સુધી 269 સીટો પર આગળ છે. સમાજવાદી પાર્ટીનું ગઠબંધન 129 સીટો પર આગળ છે. બાકીની 1 સીટ પર બસપા, બે સીટ પર કોંગ્રેસ અને 2 સીટ પર આગળ ચાલી રહી છે. યોગી આદિત્યનાથ એવા પહેલા નેતા હશે જેઓ સતત બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે.
સોશિયલ બેસ
વરિષ્ઠ પત્રકાર પંકજ ઝાના જણાવ્યા અનુસાર, ભાજપે એક સોશિયલ બેસ તૈયાર કર્યો છે, જેની મદદથી તે 2014થી ઉત્તર પ્રદેશમાં સતત જીત મેળવી રહી છે. બ્રાહ્મણ-બનિયાઓની પાર્ટી કહેવાતી ભાજપ પાસે બિન-યાદવ, પછાતોના મત છે, જેનો તેમને આ ચૂંટણીમાં ઘણો ફાયદો થયો છે.
સાયલન્ટ વોટર
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી. છઠ્ઠા અને સાતમા તબક્કાની વાત કરીએ તો પુરુષોની સરખામણીમાં મહિલાઓએ 8-12 ટકા મતદાન કર્યું છે. અગાઉ આ ટ્રેન્ડ બંગાળ કે બિહારમાં જોવા મળતો હતો. પરંતુ આ વખતે મહિલાઓએ ખુલ્લેઆમ ભાજપને મત આપ્યો, તે પણ પરિવારના અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના.
લાભાર્થીઓ
મોદી અને યોગી સરકારની યોજનાઓ પણ ભાજપની જીતનું એક મોટું કારણ છે. આયુષ્માન ભારત, મફત રાશન, કિસાન સન્માન નિધિ યોજના, શૌચાલય, આવાસ, ઉજ્જવલા જેવી યોજનાઓથી મહિલાઓને ઘણો ફાયદો થયો, જે આ ચૂંટણીમાં મતમાં ફેરવાતી જોવા મળી હતી.
નબળો વિરોધપક્ષ
આ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બીજેપી વચ્ચે લડાઈ જોવા મળી હતી. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ સંગઠનને પુનઃજીવિત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ મતમાં ફેરવી શક્યા ન હતા. 'હું છોકરી છું, લડી શકું છું'નું સૂત્ર પણ કોંગ્રેસ પક્ષ માટે ફાયદાકારક રહ્યું નહીં. 2022ની ચૂંટણીમાં માયાવતી ખૂબ ઓછી સક્રિય હતી, જેનો ફાયદો ભાજપને થયો.
કાયદો અને વ્યવસ્થા
લોકોમાં એવી પણ માન્યતા હતી કે રાજ્યની યોગી આદિત્યનાથ સરકારમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થયો છે, ખાસ કરીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ પર અંકુશ આવ્યો છે. જેના કારણે લોકો સલામતી અનુભવે છે.