Election 2024: ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મોકલી નોટિસ, જાણ થતા હટાવો નકલી કન્ટેન્ટ
ચૂંટણી પંચે સોમવારે રાજકીય પક્ષોને નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને તેના પ્લેટફોર્મનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો

ચૂંટણી પંચે સોમવારે રાજકીય પક્ષોને નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને તેના પ્લેટફોર્મનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરો. ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષોએ તેમના ધ્યાન પર આવ્યાના ત્રણ કલાકની અંદર સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી નકલી કન્ટેન્ટ દૂર કરવું જોઈએ. આ ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાના જવાબદાર અને નૈતિક ઉપયોગ માટે રાજકીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોનો એક ભાગ હતો.
તાજેતરમાં કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વગેરેના ‘ડીપ ફેક’ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા અને આ સંબંધમાં ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને માહિતીને ખોટી રીતે રજૂ કરવા અથવા ખોટી માહિતી ફેલાવતા 'ડીપફેક' બનાવવા માટે એઆઇના દુરુપયોગ સામે ચેતવણી પણ આપી છે. ચૂંટણી પંચે પોતાની નોટિસમાં ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવાની આવશ્યકતા અને જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે રાજકીય પક્ષો/તેમના પ્રતિનિધિઓ દ્વારા MCCના અમુક ઉલ્લંઘનો અને હાલની કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને પંચે આ નોટિસ જાહેર કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે રાજકીય પક્ષોએ આવું કોઈપણ કન્ટેન્ટ તેમના ધ્યાન પર આવ્યાના ત્રણ કલાકની અંદર તાત્કાલિક દૂર કરવું જોઈએ, તેમના પક્ષમાં જવાબદાર વ્યક્તિને ચેતવણી આપવી જોઈએ, સંબંધિત પ્લેટફોર્મ્સ પર ગેરકાયદેસર માહિતી અને નકલી યુઝર એકાઉન્ટની સૂચનાઓ આપવા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમ, 2021 ના નિયમ 3A હેઠળ સતત મુદ્દાઓને ફરિયાદ અપીલ સમિતિ સુધી પહોંચાડવાના નિર્દેશ આપવામા આવ્યા છે.
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વીડિયો મામલે દિલ્હી પોલીસે કોંગ્રેસ નેતા અરૂણ રેડ્ડીની ધરપકડ કરી હતી. અરૂણ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા સેના નેશનલ કોર્ડિનેટર છે અને તેમના ચેરપર્સન સુપ્રિયા શ્રીનેત છે. પોલીસના સૂત્રોના અનુસાર, અરૂણ રેડ્ડીનો રોલ વીડિયો બનાવવા અને તેને વાયરલ કરવાનો છે. રેડ્ડીએ મોબાઈલથી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસે તેમનો ફોન જપ્ત કરીને ફોરેન્સિક તપાસમાં મોકલી દીધો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
