Lok Sabha Elections 2024: ભાજપનું મિશન સૌરાષ્ટ્ર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગજવશે સભાઓ
Lok Sabha Elections: પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી મહાનગરોમાં પ્રચંડ રોડ શો કરશે. મે મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

Rajkot News: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન ભાજપના મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સભાઓ ગજવશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 27 તારીખે જામકંડોરણામાં સભા ગજવશે. પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોરણા મતવિસ્તાર આવે છે, સભાને લઈ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા અમિત શાહ 27 તારીખે આવી પહોંચશે. આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે. જૂનાગઢમાં આગામી બીજી તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી મહાનગરોમાં પ્રચંડ રોડ શો કરશે. મે મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
ચૂંટણી પ્રચાર સમયે નેતાજી હળવાશમાં
રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફ્રુટની લારી પર પહોંચી ટેટી સુધારી હતી. જસદણ વિછીયા વિધાનસભા વિસ્તારમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણી હળવાશમાં જોવા મળ્યા હતા. જસદણના જુના બસ સ્ટેશન પાસે પરેશ ધાનાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટેટી સુધારી ખવડાવતા હોવાનું સામે આવ્યું હતું.
પ્રચંડ પ્રચાર માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. ભાજપે પ્રચાર સામગ્રીની કીટ કરી તૈયાર કરી છે. કોબા કમલમ કાર્યાલયથી પ્રચાર સાહિત્યનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં લોકસભાની 25 સીટ માટે 7 મેના રોજ મતદાન યોજાશે. સોમવારે સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. તેમની સામે કોઈ ઉમેદવાર બાકી ન હોવાથી આવું થયું. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ થયું તો બીજી તરફ બસપાના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુકેશ દલાલને પણ વિજયનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. મુકેશ દલાલે અગાઉ ભારતીય જનતા યુવા મોરચામાં રાજ્ય સ્તરે કામ કર્યું હતું. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3-ટર્મ કાઉન્સિલર, 5-ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
