NDA Meeting Live: '10 વર્ષમાં 100 બેઠકો નથી લાવી શકી કોંગ્રેસ, ઇન્ડિયા ગઠબંધન પર નરેન્દ્ર મોદીએ સાધ્યું નિશાન
NDA Meeting Live: 2024ની લોકસભા ચૂંટણીમાં NDAએ 293 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જો કે, ભાજપ માત્ર 240 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે.

Background
NDA Meeting Live: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ આજે સંસદના સેન્ટ્રલ હોલમાં તેના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠક યોજાવાની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં એનડીએ ગઠબંધનની સરકાર રચવા પર ચર્ચા થશે. 2024ની લોકસભા ચૂંટણીમાં NDAએ 293 બેઠકો જીતીને બહુમતનો આંકડો પાર કર્યો છે. જો કે, ભાજપ માત્ર 240 બેઠકો મેળવવામાં સફળ રહી, જે 2019ની સરખામણીમાં ઘણી ઓછી છે.
પીએમ મોદીએ આ વાત કહી
આ પહેલા બુધવારે એનડીએમાં સામેલ પક્ષોના નેતાઓએ બેઠક કરી હતી અને સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નેતા તરીકે પસંદ કર્યા હતા. પીએમ મોદીએ બાદમાં કહ્યું કે અમારા મૂલ્યવાન એનડીએ સાથીદારો સાથે મુલાકાત થઇ. એનડીએ વિકસિત ભારતના નિર્માણની દિશામાં કામ કરશે.
બુધવારની બેઠકમાં જ સાથી પક્ષોને કહેવામાં આવ્યું હતું કે કેબિનેટ વિભાજન અંગે એક ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે જેના પર સહમતિ સાધવામાં આવશે. અપ્રમાણિત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યોજના કોઈપણ નંબરની ફોર્મ્યુલાને બદલે તમામ સહયોગીઓને ન્યાયી પ્રતિનિધિત્વ આપવાની છે.
નરેન્દ્ર મોદીએ ઈવીએમને લઈને વિપક્ષ પર કટાક્ષ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે 4 જૂને પરિણામ આવી રહ્યા હતા, તે સમયે હું વ્યસ્ત હતો. પછી મને ફોન આવવા લાગ્યા. મેં કોઈને પૂછ્યું કે આંકડા તો ઠીક છે, પણ મને કહો કે ઈવીએમ બરાબર છે કે નહીં. આ લોકો (વિરોધી) ભારતના લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ગુમાવી દે તેવું કરવા માટે મક્કમ હતા. આ લોકો સતત ઈવીએમનો દુરુપયોગ કરતા હતા. મને લાગતું હતું કે ચૂંટણીના પરિણામો પછી વિપક્ષ ઈવીએમને ગાળો આપશે. પરંતુ 4 જૂનની સાંજ સુધીમાં તેઓનું મોં સીલ થઈ ગયું હતું. EVMએ તેમને ચૂપ કરી દીધા. આ ભારતની લોકશાહીની તાકાત છે.
ચૂંટણી પંચના કામમાં અવરોધ નાખવામાં આવ્યો- મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે મને આશા છે કે આગામી પાંચ વર્ષ સુધી ઈવીએમની વાત સાંભળવામાં નહીં આવે. પાંચ વર્ષ પછી જ્યારે આપણે 2029માં જઈશું ત્યારે કદાચ આપણે EVM વિશે ચર્ચા સાંભળીશું. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન મેં પહેલીવાર જોયું કે ચૂંટણી પંચના કામમાં હસ્તક્ષેપ કરવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. આ કામ કરનારા લોકોનું એક જ જૂથ હતું. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભારતને બદનામ કરવા અને ચૂંટણી પંચને કામ કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું છે.





















