બોલિવૂડ એક્ટર અરમાન કોહલીની NCBએ કરી અટકાયત, ઘરમાંથી મળ્યું ડ્રગ્સ
નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ બોલિવૂડ એક્ટર અરમાન કોહલીની ડ્રગ્સ સાથે જોડાયેલા એક કેસમાં અટકાયત કરી હતી.એનસીબીએ અરમાન કોહલીના જુહૂ સ્થિત બંગલામાં દરોડા પાડ્યા હતા અને તેની અનેક કલાકો સુધી પૂછપરછ કરી
NCB Detained Armaan Kohli: નાર્કોટિક્સ કંન્ટ્રોલ બ્યૂરોએ (NCB) બોલિવૂડ એક્ટર અરમાન કોહલીની (Armaan Kohli) ડ્રગ્સ (Drugs) સાથે જોડાયેલા એક કેસમાં અટકાયત કરી હતી. એનસીબીએ આજે બપોરે અરમાન કોહલીના જુહૂ સ્થિત બંગલામાં દરોડા પાડ્યા હતા અને તેની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી અને બાદમાં તેને પોતાની જીપમાં બેસાડીને લઇ ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે અરમાનના ઘર પર કરવામાં આવેલા દરોડા દરમિયાન એનસીબીને કેટલીક માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. હાલમાં ડ્રગ્સની માત્રા કેટલી છે અને અરમાન કોહલીની ડ્રગ્સ કેસમાં શું કનેક્શન છે તેને લઇને એનસીબી તરફથી કોઇ સતાવાર જાણકારી આપવામાં આવી નથી.
નોંધનીય છે કે અરમાન કોહલી મુંબઇના જુહૂ સ્થિત વિકાસ પાર્ક નામની સોસાયચીના બંગલા નંબર 10માં પોતાના માતાપિતા સાથે રહે છે. આ સોસાયટીમાં કુલ 17 બંગલા છે. એનસીબીની 11 સભ્યોની ટીમે અરમાન કોહલીના બંગલામાં દરોડા પાડ્યા હતા. બાદમાં એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પણ અરમાન કોહલીની પૂછપરછ માટે પહોંચ્યા હતા.
નોંધનીય છે કે અરમાન કોહલીના વિવાદોથી જૂનો સંબંધ છે. 2018માં તેના પર તેની પાર્ટનર રહેલી નીરુ રંધાવા સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો હતો. નીરુ રંધાવાએ એબીપી ન્યૂઝને તે સમયે આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, કઇ રીતે ગોવામાં એક પ્રોપર્ટીની દેખભાળ સંબંધિત પૈસાને લઇને અરમાને તેની સાથે મારપીટ કરી હતી. નીરુ રંધાવાએ અરમાન કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.