લખનઉઃ અયોધ્યા પહોંચેલા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સૌ પ્રથમ સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના પરિવાર સાથે લક્ષ્મણ કિલાની મુલાકાત લીધી હતી. દરમિયાન ઠાકરેએ કહ્યું કે, મને રામ મંદિર નિર્માણનો શ્રેય નથી જોઇતો, મને રામ મંદિરના નિર્માણની તારીખ જોઇએ છે. આપણે સૌ સાથે મળીને રામ મંદિરનું નિર્માણ કરીશું. તમામ લોકો સાથે આવશે તો રામ મંદિર જલદી બનશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અહીં રાજનીતિ કરવા નથી આવ્યો. કેન્દ્રની મજબૂત મોદી સરકાર રામ મંદિર પર કાયદો લાવે. હવે રામ મંદિર પર હિંદુ ચૂપ નહી રહે. રામ મંદિર બન્યા બાદ હું રામ ભક્તની જેમ દર્શન કરવા આવીશ. ઉદ્ધવે મોદી સરકારને પૂછ્યું કે હજુ કેટલા વર્ષ રાહ જોવી પડશે. હજારો શિવસૈનિક અયોધ્યા આવ્યા છે.
2/5
બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતીએ રામ મંદિરના મુદ્દા પર કહ્યું કે, પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે બીજેપીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. જો બીજેપીની ઇચ્છા હોય તો પાંચ વર્ષ સુધી કેમ રાહ જોઇ રહી હતી. હાલમાં તે રાજકીય દાવપેચ સિવાય કાંઇ નથી. શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ જે કરી રહી છે તે બીજેપીના ષડયંત્રનો ભાગ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું કે, રાજ્યમાં આર્મીને સુરક્ષા સોંપી દેવી જોઇએ કારણ કે ભાજપ કાંઇ પણ કરી શકે છે.
3/5
ભગવાન રામની નગરી અયોધ્યામાં રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે. અહીં રામ મંદિરના નિર્માણની માંગ સાથે શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદ અલગ-અલગ કાર્યક્રમ કરી રહી છે. શિવસેના અહી આશિર્વાદ ઉત્સવનું આયોજન કરી રહી છે તો વિશ્વ હિંદુ પરિષદે રવિવારના રોજ ધર્મસભાનું આયોજન કરવા જઇ રહી છે. આ માટે સેંકડો શિવસૈનિકો મહારાષ્ટ્રથી બે ટ્રેન મારફતે અયોધ્યા પહોંચી ચૂક્યા છે. આ બધા વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં હાલની સ્થિતિ પર ચર્ચા માટે બેઠક બોલાવી છે.
4/5
શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોચી ચૂક્યા છે. તેઓ અહીં સાધુ સંતો સાથે મુલાકાત કરશે. ઉદ્ધવ ઠાકરે રામ મંદિર નિર્માણ માટે મહારાષ્ટ્રથી પોતાની સાથે ચાંદીની ઇંટ પણ લાવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમની પત્ની રશ્મિ ઠાકરે અને તેમનો દીકરો આદિત્ય ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે. ઠાકરે સાંજે છ વાગ્યે સરયૂ ઘાટ પર આરતી ઉતારશે.
5/5
શિવસેના અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમને જોતા અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અયોધ્યામાં તમામ સ્કૂલ અને કોલેજો બંધ કરાઇ છે. સાથે શહેરની સુરક્ષાની જવાબદારી ADGP સ્તરના પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે. સાથે 3 SSP, 10 ASP, 21 DSP, 160 ઇન્સ્પેક્ટર, 700 કોન્સ્ટેબલ, PACની 42 કંપની, RAFની પાંચ કંપની અને ATS કમાન્ડોને સુરક્ષા માટે તૈનાત કરાયા છે. ડ્રોન કેમેરાથી તમામ સ્થળ પર નજર રાખવામાં આવી રહી છે.