Air India Plane Crash: વડાપ્રધાન મોદી આજે અમદાવાદ પહોંચશે, ઘાયલોની કરશે મુલાકાત
Ahmedabad plane crash: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે અમદાવાદની મુલાકાત લેશે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ મુલાકાત કરશે.

Ahmedabad plane crash: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે અમદાવાદની મુલાકાત લેશે. તેઓ ઘટનાસ્થળે જઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ મુલાકાત કરશે.
વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે, "અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. આ એક હૃદયદ્રાવક ઘટના છે જે શબ્દોમાં કહી શકાય નહીં. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદનાઓ તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે."
આ દુર્ભાગ્યપૂર્ણ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ જીવિત હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, પરંતુ મોટાભાગના લોકોના મોત થયા હોવાની આશંકા છે. આ અકસ્માત પછી વિશ્વભરના નેતાઓએ તેના પર શોક વ્યક્ત કર્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે પણ મુલાકાત લીધી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી હું આ ઘટનામાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું." તેમણે એમ પણ કહ્યું કે ઘટનાના માત્ર 10 મિનિટમાં જ તેમણે મુખ્યમંત્રી, રાજ્ય ગૃહમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને બચાવ કામગીરીમાં લાગી ગયા છે.
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, "એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 બપોરે ક્રેશ થઈ ગઈ. ઘણા મુસાફરોના મોતની શક્યતા છે. આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આખો દેશ પરિવારો સાથે ઉભો છે. સૌ પ્રથમ ભારત સરકાર, ગુજરાત સરકાર, અને વડા પ્રધાન તરફથી હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."
અમિત શાહે દુર્ઘટનાની ભયાવહતા સમજાવતા કહ્યું કે, "વિમાનમાં ૧.૨૫ લાખ લિટર ઇંધણ હતું. આગ એટલી ઝડપથી લાગી કે બચાવનો કોઈ મોકો જ નહોતો મળ્યો." આ કારણે મૃત્યુઆંક વધુ હોવાની આશંકા છે. ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હોવાથી અમિત શાહે જણાવ્યું કે, "મૃતકોની ઓળખ DNA પરીક્ષણ પછી કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 1000 DNA પરીક્ષણ કરવામાં આવશે."





















