હિટ એન્ડ રનમાં ચાર માસ બાદ પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીને ઝડપી લીધો
અમદાવાદમાં ચાર મહિના પહેલા એસજી હાઈવે પર રાજપથ ક્લબ પાસે બનેલા હિટ એન્ડ રન કેસમાં એસજી હાઈવે -02 ટ્રાફિક પોલીસને મોટી સફળતા મળી છે.
અમદાવાદ: અમદાવાદમાં ચાર મહિના પહેલા એસજી હાઈવે પર રાજપથ ક્લબ પાસે બનેલા હિટ એન્ડ રન કેસમાં એસજી હાઈવે -02 ટ્રાફિક પોલીસને મોટી સફળતા મળી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે અંદાજે 80 જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા પરંતુ અકસ્માત કરનારનો ગાડીનો નંબર મળી આવ્યો નહોતો. ચાર માસ અગાઉ નોંધાયેલા અનડીટેક ગુનામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીને વાહન સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.
ફરિયાદ મુજબ રાજપથ ક્લબ તરફથી જયસુખભાઈ વાઘેલા અને તેમના પત્ની રક્ષાબેન વાઘેલા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી પતિ-પત્નીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી વાહનચાલક ત્યાંથી નાસી ગયો હતો. આ અકસ્માતમાં જયસુખભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી સારવાર દરમિયાન ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ અકસ્માતની ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે તપાસ શરુ કરી હતી. બનાવવાળી જગ્યા અને આજુબાજુના નિવેદનો તથા સીસીટીવી ફુટેજ ચેક કરતા બનાવવાળી જગ્યાના કોઈ ફુટેન ન હતા. પરંતુ દૂરના કેમેરાના ફુટેજ ચેક કરતા એક અજાણ્યો સ્પ્લેન્ડર મોટર સાઈકલ ચાલક અકસ્માત કરી નાસી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ વાહન ચાલકને શોધવા અંદાજે 80 જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યા પરંતુ આરોપીને પકડવામાં સફળતા ન મળી.
બાદમાં બનાવ સમયના અગાઉના સીસીટીવી ફુટેજ રીવર્સ ક્રમમાં ચેક કરવામાં આવતા મોટર સાયકલ ચાલની સાથે બીજા ત્રણ ઈસમો ત્રિપલ સવારીમાં ઈસ્કોન મંદીર તથા મહાકાળી મંદિર તથા કોર્પોરેશનના બગીચામાં મળવા આવેલા હોય તેવું સીસીટીવી કેમેરામાં જોયા મુજબ તેમની મુલાકાત બાદ થોડા સમય પછી એક ઈસમ તે જ વર્ણનવાળા મોટર સાયકલ સાથે નિકળે છે જેનાથી અકસ્માત થયો હોય. બે ઈસમો બગીચામાં રોકાયેલા હોય તેમના ગતિવિધિ પર વોચ રાખતા તેઓ એક ઓટો રીક્ષામાં બેઠા હતા જેમાં આગળના ભાગે મહાકાલ તથા પાછળ મા રહેના વાલી લખાણ લખ્યું હતું. રીક્ષાચાલક સાથે કોઈપણ વાત કર્યા વગર તેઓ બેસી ગયા હતા જેથી ઓનલાઈન રિક્ષા બુક કરી હોવાની શંકા હતી.
રીક્ષા શોધી પૂછપરછ કરતા બનાવના દિવસે રીક્ષાનું ઓનલાઈન બુકિંગ થયું હતું. જેથી ઓલા, ઉબેર તથા રેપીડોમાં ચાલતી ઓટો રિક્ષા અંગે વિગતો મેળવી અકસ્માતનો બનાવ બન્યો તે સમય તથા આજુબાજુના લોકેશન ઉપરથી બુક થયેલા વાહનોના નંબર તથા ચાલકના મોબાઈલ નંબરની માહિતી મેળવી જે આધારે તપાસ કરી અને સીસીટીવી ફુટેજમાં મળી આવેલ ઈસમોના ફોટોગ્રાફ આધારે ચેક કરતા ઓનલાઈન કેબ રેપીડોમાં ચાલતી રિક્ષા નંબર જીજે 01 ટીજી 7340 મળી આવી હતી. આ કેસ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા અકસ્માત કરનાર મોટર સાયકલ નંબર Gj-01-XJ- 9403નો ચાલક નિખીલ રમેશચંદ્ર રાજપૂત ઉ.વં-20 મળી આવતા તેની ગુના અંગે પુછપરછ કરતા કુબલાત કરેલ હોય આધાર પુરાવા મેળવી હિટ એન્ડ રન કેસમાં ચાર માસ અગાઉ નોંધાયેલી ફરિયાદમાં આરોપીને પકડી ટ્રાફિક પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. આ હિટ એન્ડ રન કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એ. ગોહિલ, એ.એસ.આઈ મહેંદ્રસિંહ વેલુભા, અ.હે.કો.હડમતસિંહ નહારસિંહ, અ.હે.કો.હિમતલાલ મથુરામભાઈ અને અ.પો.હે.કો. જયેશભાઈ ધીરુભાઈ દ્વારા સારી કામગીરી કરી ચાર માસ પહેલા બનેલા કેસમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.