Ahmedabad : કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા હત્યા કેસમાં કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો?
કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું, કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી.
અમદાવાદઃ વર્ષ ૨૦૧૬માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં થયેલી કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને દોષિત જાહેર કર્યો છે. કોર્ટે કહ્યું, કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ નથી. કોર્ટે દોષિત જાહેર કરતાં આજીવન કેદની સજા કરવી કે ફાંસીની સજા કરવી એ અંગે દલીલ થઈ હતી. સરકારી વકીલે આરોપીને મૃત્યુપર્યંત આજીવન કેદની માંગણી કરી હતી.
બીજી તરફ બચાવપક્ષના વકીલે રજૂઆત કરી કે, આરોપી દોષિત ઠર્યા છે તો તેને કરવામાં આવતી સજાના વર્ષો નક્કી કરવામાં આવે. આરોપીને કેટલી સજા કરવી તે અંગે કોર્ટ એક વાગ્યે ચુકાદો આપશે. ગત સુનાવણી બાદ કોર્ટ પરિસરમાં જ આરોપી ને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાની કોર્ટે ગંભીરતાથી નોંધ લીધી અને સરકારને કહ્યું કે આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં એટલે કે મારી કસ્ટડીમાં છે તેની પર હાથ ઉપાડવાનો કોઈને અધિકાર નથી. આ ચલાવી લેવાશે નહીં. આરોપીને માર મારવાની ઘટના બાબતે સરકારી વકીલે કોર્ટને માફી માંગી હતી.
ક્રાઇમ બ્રાન્ચે નોંધેલા કેસ પ્રમાણે, એપ્રિલ-૨૦૧૬માં ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણીની રહસ્યમય રીતે હત્યા કરાઇ હતી. ક્રાઇમ બ્રાન્ચે વડોદરા નજીકના મિયાણાથી આરોપી મનીષ શ્રવણકુમાર બલાઇને આ કેસમાં ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સની હેરાફેરના કેસમાં મનીશ બલાઇને પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચમાં લાવી હતી.
મોડી રાત્રે મનીષ ચંદ્રકાન્ત મકવાણાની હત્યા કરી ક્રાઇમ બ્રાન્ચની પાછળની દીવાલ કૂદી ભાગી ગયો હતો. ત્યાર બાદ ટ્રેન દ્વારા તે વડોદરાના મીયાણા પહોંચ્યો હતો. પોલીસે મોબાઇલ ફોનના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. આ કેસમં બન્ને પક્ષોએ સુનાવણી પૂર્ણ થતાં ચુકાદો ૨૨મી જુલાઇ પર અનામત રાખવામાં આવ્યો હતો, જેનો ચુકાદો આજે આવી ગયો છે અને આરોપીને દોષિત જાહેર કરાયો છે. તેમજ આજે સજાની પણ જાહેરાત થશે.