Chandipura virus outbreak Ahmedabad: ચાંદીપુરા રોગના કારણે અમદાવાદમાં 4 કલાકમાં બે બાળકોના મોત, સાત દર્દીઓ સારવાર હેઠળ
અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકીએ આપેલી માહિતી અનુસાર સેન્ડ ફલાય નામના માખીના કારણે થતાં આ રોગ અંગે જેટલા પણ શંકાસ્પદ કેસ નોધાશે તાત્કાલિક ધોરણે સરકારને જાણ કરવામાં આવશે.
Ahmedabad children deaths Chandipura Virus: ચાંદીપુરા રોગના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સુધી સાત દર્દીઓ દાખલ છે. દાખલ થયાના 4 કલાકમાં બે બાળકોના મોત થયા છે. સંક્રમિત બાળકોની ઉમર 1 વર્ષથી 14 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. રાજ્યમાં વકરેલા ચાંદીપુરા રોગના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સાત જેટલા બાળદર્દીઓ નોંધાઇ ચુક્યા છે. જેમાં બે બાળકોના દાખલ થયાનાં 48 કલાકમા મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર,10 જુલાઇએ રાજસ્થાનના મુળ પણ અમદાવાદના સરદારનગરમાં રહેતા પરીવારની 1 વર્ષની બાળકીનુ મોત નિપજ્યુ તો ચાંદલોડિયાના અર્બુદાનગરની 5 વર્ષિય બાળકીને પણ દાખલ થયાના બે દિવસમા નિધન થયુ હતુ.
5 વર્ષીય બાળકીના પરીવારજનોએ 14 જુલાઇના રોજ ખાનગી હોસ્પિ઼ટલમાં નિદાન કરાવ્યું હતું અને 17 જુલાઇએ તેનુ સારવાર દરમિયાન નિધન થયુ. 15 જુલાઇએ નરોડા સેજપુરના 5 વર્ષીય બાળકની તબિયત લથડતાં તેને દાખલ કરાયુ હતુ જેની હાલ સારવાર ચાલુ છે. તો નોબલનગરની 11 વર્ષીય બાળકીને ચાંદીપુરા રોગના લક્ષણ સામે આવતાં તેને પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જેને હાલ વેન્ટિલેટર પર સારવાર અપાઇ રહી છે.
અમદાવાદ મનપાના આરોગ્ય અધિકારી ડો.ભાવિન સોલંકીએ આપેલી માહિતી અનુસાર સેન્ડ ફલાય નામના માખીના કારણે થતાં આ રોગ અંગે જેટલા પણ શંકાસ્પદ કેસ નોધાશે તાત્કાલિક ધોરણે સરકારને જાણ કરવામાં આવશે.
રાજ્યના કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જામનગરની ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાઇરસને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં રાજ્યમાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ કેસો મળી આવ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ રોગને નિયત્રંણમાં લેવા માટે તમામ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ 2 કેસો મળી આવ્યા છે અને હાલમાં આ બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કૃષિમંત્રીએ ઉપસ્થિત સર્વેને જરુરી માર્ગદર્શન આપ્યા હતું અને વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાઈરસના લક્ષણોમાં દર્દીને અચાનક તાવ આવે, ઉલટી ઉબકા થવા, આંચકી આવે અને શરીરમાં કળતર થાય છે. આ વાઈરસ મચ્છર, માખી જેવા વાહકો દ્વારા ફેલાય થાય છે. આ રોગચાળો 9 માસથી લઈને 14 વર્ષના બાળકોમાં જોવા મળ્યો છે. તેને અટકાવવા માટે સમગ્ર શહેર અને જિલ્લામાં મચ્છરનાશક દવાનો છંટકાવ કરાવવો, સફાઈ કામગીરી, આરોગ્ય કર્મીઓને તાલીમબદ્ધ કરવાથી લઈને જનજાગૃતિ વધે તે રીતે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. ચાંદીપુરા વાઈરસને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો સાથે મળીને સાવચેતીના પગલાં લે તે આવશ્યક છે. જો તમારી આસપાસ આવા લક્ષણોવાળા કોઈપણ દર્દી ધ્યાનમાં આવે તો તાત્કાલિક રીતે નજીકના દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ જેથી આ વાઈરસ ફેલાતો અટકાવી શકાય.