Ahmedabad Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ફરી કોરોના વર્તાવશે કહેર ? રાજ્યના માત્ર 75 ટકા કેસ નોંધાયા આ શહેરમાં
Gujarat Corona Update: ગુજરાતમાં 12 માર્ચ પછી પહેલીવાર મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 34 સહિત રાજયમાં કોરોનાના નવા 45 કેસ નોંધાવા પામ્યા છે.
Ahmedabad Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, પરંતુ મંગળવારે ફરી એક વખત રાજ્યમાં કોરોના કેસ વધ્યા છે. રાજ્યના કુલ કેસના માત્ર 75 ટકા કેસ અમદાવાદમાં જ નોંધાયા છે, જેને લઈ અમદાવાદમાં ફરી કોરોનાનો રાફડો ફાટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આઈપીએલ ફાઈનલની સમાપ્તિ બાદ શહેરમાં કેસ વધતાં ફફડાટ ફેલાયો છે.
12 માર્ચ પછી નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં 12 માર્ચ પછી પહેલીવાર મંગળવારે અમદાવાદમાં સૌથી વધુ 34 સહિત રાજયમાં કોરોનાના નવા 45 કેસ નોંધાવા પામ્યા છે. મોટેરા ખાતે યોજાયેલી આઈ.પી.એલ.ની મેચમાં એકઠી થયેલી મેદનીને લઈ કોરોનાના કેસ હજુ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. રાજયમાં અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડીયમ ખાતે આઈ.પી.એલ.ની બે મેચ રમાઈ હતી.આ બંને મેચ દરમ્યાન મોટી સંખ્યામાં ક્રીકેટ ચાહકો સ્ટેડીયમમાં ઉમટી પડયા હતા.કોરોના સંક્રમણની સ્થિતિ બે વર્ષ બાદ વેકિસનેશન ઉપરાંત ટેસ્ટીંગ સહિતના અન્ય પ્રયાસોથી કાબૂમાં આવતી જોવા મળી હતી ત્યાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે.અમદાવાદમાં સૌથી વધુ 34 કેસ નોંધાયા જે સામે 24 દર્દીઓ સાજા થવા પામ્યા હતા.ઉપરાંત ગાંધીનગર અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના બે-બે કેસ નોંધાયા હતા.ઉપરાંત મહેસાણા અને વલસાડમાં પણ કોરોનાના બે-બે કેસ નોંધાયા હતા.ગીર સોમનાથ,વડોદરા અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો હતો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2745 નવા કેસ નોંધાયા છે અને 6 સંક્રમિતોના મોત થયા છે. મંગળવારે 2338 નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે 2706 નવા કેસ નોંધાયા હતા અને 25 સંક્રમિતોના મોત થયા હતા. રવિવારે 2828 નવા કેસ નોંધાયા હતા અને 14 સંક્રમિતોના મોત થયા હતા. શનિવારે 2685 નવા કેસ નોંધાયા હતા અને 33 સંક્રમિતોના મોત થયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 0.60 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,386 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,636 પર પહોંચ્યો છે. દેશમાં 4,26,17,810 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 193,57,20,807 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 10,91,110 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.