અમદાવાદના ધોળકામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, પૂરમાં ફસાયેલા 39 લોકોનું કર્યું રેસ્ક્યૂ
પોલીસ જવાનોએ પૂરમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના ધોળકામાં પોલીસકર્મીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી. ધોળકા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગાણોલ ગામે પોલીસ જવાનોએ પૂરમાં ફસાયેલા 39 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ નાના બાળકોને ખભા પર બેસાડીને કમર સુધીના પાણીમાંથી તમામને બચાવ્યા હતા. ધોળકા ગ્રામ્યના પીએસઆઇ ઇન્દુભા રાણાએ તમામ લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી હતી.
તે સિવાય સુરેન્દ્રનગરના ચુડામાં ઠેર ઠેર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પોલીસે નીચાણવાળા વિસ્તારમાંથી 110 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. તમામને ચુડાની કન્યાશાળામાં રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત બે દિવસથી વરસાદના કારણે રાજકોટના જંગલેશ્વરમાં રેસ્ક્યૂ કામગીરી યથાવત છે. શિવપુરા GIDCમાંથી 35 લોકોને બચાવવામાં આવ્યા હતા.
જામનગરમાં પાણીના પ્રવાહ વચ્ચે થાંભલા પર ફસાયેલા યુવકનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું હતું. જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચઢી ગયો હતો. લાલપુર તાલુકાના નવાગામ વાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હોવાની જાણ થતા તેઓને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરવામાં આવી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની મદદથી તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જામનગરમાં રણજીતસાગર રોડ પર અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઇ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોમાંથી ફાયરની ૧૦ ટીમ અને એનડીઆરએફની ૧ ટીમ દ્વારા ૭૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
મોરબીમાં માળિયા હાઇવે રોડ ઉપર પાણીમાં ફસાયેલા ટ્રકમાંથી બે જણાને રેસ્ક્યુ કરીને બહાર કઢાયા હતા. ભોપાલથી ચોખા ભરીને ગાંધીધામ જતો ટ્રક પાણીમાં ફસાયો હતો. ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને નગરપાલિકાની સ્પીડ બોટ મારફતે પાલિકાની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પંચમહાલના કાલોલ ઇન્દિરા નગર વિસ્તારમાં છ માસના બાળક સહીત 21 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. કાલોલ મામલતદારે પાણીમાં ઉતરી નગરપાલિકા ફાયર વિભાગ ટીમની મદદ લઈ 21 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.
વડોદરામાં ૪૫ અને દેવભૂમિ દ્વારકામાં ૩૦ સગર્ભા મહિલાઓને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડી ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧,૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.