AHMEDABAD : MD ડ્રગ સાથે ચાર આરોપીઓની ધરપકડ, એક આરોપી પોલીસનો પૂર્વ બાતમીદાર નીકળ્યો
Ahmedabad News : આરોપીઓમાંથી એક આરોપી રાજા બાબુ પોલીસનો પૂર્વ બાતમીદાર હોવાનું સામે આવ્યું છે.
Ahmedabad : અમદાવાદ શહેરમાં આવતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ. આરોપીઓમાંથી એક આરોપી રાજા બાબુ અન્ય કોઈ નહિ પણ પોલીસનો પૂર્વ બાતમીદાર હોવાનું સામે આવ્યું છે. આરોપી પહેલા લાલ દરવાજા પથારા પાથરી ધંધો કરતો હતો પણ લોકડાઉનમાં ધંધો અને અન્ય ગરીબો પાસેથી ઉઘરાણા આવતા બંધ થઈ જતા એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં લાગી ગયો. આટલું જ નહીં નવા અધિકારીઓ આવતા જ તેની પોલીસ સાથેની મિત્રતા તૂટી અને વિસ્તાર છોડી જુહાપુરા રહેવા જતો રહ્યો.
28 લાખનું 289 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું
પોલીસે MD ડ્રગ્સ સાથે ઈદ્રિશ ઉર્ફે ઇદુ શેખ, મોહમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ એક કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટિમ રોપડા ચાર રસ્તા પહોંચી હતી. આ કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે 28 લાખનું 289 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું.
મુંબઈથી ડ્રગ્સ લાવતા હોવાનું ખુલ્યું
આરોપી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત એમડી ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ આ જથ્થો લાવતા હોવાનું સામે આવ્યું છે. બાદમાં છૂટક વેચાણ કરતા. પોલીસે પકડ્યા તે પહેલા આરોપીઓ મુંબઈ એમડી ડ્રગ્સનો જથ્થો આદિલ કે જે ડોંગરી મુંબઇનો છે તેની પાસેથી લેવા ગયા. ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી સુરત આવ્યા અને બાદમાં આરોપી ધનુષ અને મનુ સુરત હાઇવેથી બને મુખ્ય પેડલરોને ગાડી મારફતે અમદાવાદ લઈને આવતા જ ઝડપાઇ ગયા.
આરોપી રાજબાબુ પોલીસનો પૂર્વ બાતમીદાર
આરોપી ઈદ્રિશ પાલડીમાં પ્રોહીબિશનના અને ક્રાઇમ બ્રાન્ચમાં હથિયાર ના ગુનામાં ઝડપાયો હતો. જ્યારે રાજાબાબુ કારંજમાં જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયો હતો. આરોપી રાજાબાબુ લાલ દરવાજામાં પાથરણા પાથરી હરાજીનો ધંધો કરતો હતો. સાથે જ અન્ય પાથરણા વાળાઓ પાસે પણ હપ્તા ઉઘરાવી આતંક મચાવતો હતો. કારંજના પૂર્વ પોલીસ અધિકારીઓના પીઠબળથી રાજાબાબુનું વર્ચસ્વ વધ્યું હતું. પણ અધિકારીઓ બદલાતા આરોપી રાજાબાબુ બીજી પત્ની સાથે કારંજ વિસ્તાર છોડી જુહાપુરા રહેવા લાગ્યો હતો.
લોકડાઉનમાં ધંધા પડી ભાગતા અને લોકો હપ્તો ન આપતા આરોપી રાજબાબુ એમડી ડ્રગ્સનો પેડલર બનવાની સાથે એમડીનો બંધાણી પણ બની ગયો.
તો આરોપી ઈદ્રિશની પત્ની ખુશ્બુ પણ અગાઉ એમડી ડ્રગ્સનો કારોબાર કરતી હતી. ત્યારે ધનુષ અને મનુ રબારી થોડા સમયથી ડ્રગ્સના રવાડે ચઢતા તેઓ પણ પેડલર બનવા જઈ રહ્યા હતા તે પહેલા જ ઝડપાઇ ગયા.
પોલીસે પકડેલા આરોપીઓમાંથી ધનુષને કમિશન પેટે રૂપિયા નહિ પણ 20 ગ્રામ ડ્રગ્સ માંગ્યું હતું. ત્યારે આગામી સમયમાં આદિલ ક્યારે પકડાય છે તે જોવાનું રહેશે.