અમદાવાદીઓ સાવચેત રહેજો! HMPVનો ચોથો પોઝિટિવ કેસ નોંધાયો, કચ્છના 59 વર્ષીય પુરુષ સંક્રમિત
Ahmedabad HMPV case: કચ્છના રહેવાસી અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ, દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

HMPV virus Ahmedabad: અમદાવાદમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)નો વધુ એક કેસ સામે આવ્યો છે. આ વખતે કચ્છના 59 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ હાલ અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહત્વની વાત એ છે કે આ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એટલે કે તેઓ તાજેતરમાં કોઈ પ્રવાસ પર ગયા નહોતા.
આ કેસ સાથે અમદાવાદમાં HMPVના કુલ ચાર કેસ નોંધાયા છે. અગાઉ, અમદાવાદમાં એક નવ મહિનાનું બાળક, એક 80 વર્ષના વૃદ્ધ અને હિંમતનગરમાં એક આઠ વર્ષનું બાળક પણ HMPVથી સંક્રમિત થયાના કેસ નોંધાયા હતા.
ભારતમાં શ્વસન રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના કેસો પણ વધી રહ્યા છે. ઝારખંડના આરોગ્ય પ્રધાન ડૉ. ઇરફાન અન્સારીએ પણ આરોગ્ય વિભાગને રાજ્યભરમાં HMPVના ફેલાવાને રોકવા માટે સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે.
ડૉ. અન્સારીએ જણાવ્યું હતું કે આ વાયરસ 5 થી 70 વર્ષની વયના લોકો માટે થોડો ખતરનાક છે અને તેના લક્ષણો કોવિડ-19 જેવા જ છે. તેમણે આરોગ્ય અધિકારીઓને રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ અને અન્ય મહત્વના સ્થળો પર તબીબી ટીમો તૈનાત કરવા નિર્દેશ આપ્યો છે જેથી સંભવિત કેસોની દેખરેખ અને તપાસ કરવામાં આવે.
માનવ મેટાપ્યુમોવાયરસ (HMPV) શું છે?
HMPV એક સામાન્ય શ્વસન રોગ છે. આ વાયરસ શ્વસન માર્ગમાં પ્રવેશીને નીચલા અને ઉપલા શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. આ કોઈ નવી શોધ નથી અને છેલ્લા કેટલાક વર્ષોમાં જુદા જુદા દેશોમાંથી કેસ નોંધાયા છે. HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાયરલ સારવાર નથી અને તેના ફેલાવાને નિયંત્રિત કરવા માટે નિવારણ એ સૌથી મહત્વપૂર્ણ છે.
HMPV વાયરસના લક્ષણો
HMPV ચેપના સામાન્ય લક્ષણોમાં ખાંસી, શરદી, તાવ વગેરેનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં, ચેપ શ્વાસ લેવામાં તકલીફ અને નાક બંધ થવાનું કારણ પણ બની શકે છે.
HMPV વાયરસથી બચવાના ઉપાયો (નિવારણ)
HMPV ચેપથી બચવા માટે લોકોએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ:
નિયમિતપણે હાથ ધોવા.
સામાજિક અંતર જાળવવું.
માસ્ક પહેરવું.
જો HMPV સંબંધિત લક્ષણો દેખાય તો અન્ય લોકોથી દૂર રહેવું (આઇસોલેશન).
ડૉના જણાવ્યા અનુસાર, આ વાયરસ ઝડપથી બે વર્ષથી નીચેના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે. વાયરસનો સમયગાળો ત્રણથી છ દિવસનો હોય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને આ વાયરસ ઝડપથી અસર કરે છે અને તેમને ICUમાં પણ દાખલ કરવા પડી શકે છે. HMPV માટે કોઈ રસી કે એન્ટિ-વાયરલ દવા ઉપલબ્ધ નથી, તેથી લક્ષણોના આધારે જ સારવાર કરવામાં આવે છે.
આ પણ વાંચો....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
