Iskcon Bridge Accident: નબીરા તથ્ય પટેલ વિરુદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ, છ મહિના અગાઉ મંદિરમાં ઘૂસાડી હતી કાર
ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે
ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે. નબીરા તથ્ય વિરુદ્ધ અકસ્માતની વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. તથ્ય પટેલ સામે ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનમા વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર, છ મહિના પહેલાં પણ આરોપી તથ્ય પટેલે જગુઆર કાર ગાંધીનગરના એક મંદિરમાં ઘૂસાડી દીધી હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટી બાદ તથ્ય પટેલે આ અકસ્માત સર્જ્યો હતો.
ગાંધીનગરનાં સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામ પાસે સાણંદ જવાના મેઇન રોડ ઉપર આવેલ બળિયા દેવના મંદીરમાં જગુઆર કાર ઘૂસાડી હતી. આ અંગે સાંતેજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ટ્રાફિક પોલીસ તથ્ય પટેલની ફરી ધરપકડ કરી શકે છે. મોવ કાફે અકસ્માત કેસમાં તથ્યની ધરપકડ થઇ શકે છે. ટ્રાફિક પોલીસ ચાર્જશીટ દાખલ કર્યા બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરશે.
ઇસ્કોન કાંડ પહેલા જ તથ્ય પટેલે થોડા દિવસ પહેલા એક મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં તે થાર ગાડી હંકારી રહ્યો હતો અને આ દરમિયાન તેને સિંધુભવન રૉડ પર આવેલા ના મોવ કાફેમાં કાર ઘૂસાડી દીધી હતી. આ ઘટના 3જી જુલાઇએ બની હતી, આના સીસીટીવી ફૂટેજ અને વીડિયો પણ સામે આવ્યા છે. જોકે, પોલીસે હવે આ મામલે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ ગઇકાલે આરોપી તથ્ય પટેલની કારની સ્પીડને લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. જેગુઆર કંપનીએ યુકેથી રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે ઇસ્કોન બ્રિજ અકસ્માત સમયે તથ્યનું ડ્રાઇવિંગ પર ધ્યાન નહોતું, જગુઆર કારની બ્રેક ફેલ નહોતી. અકસ્માત થયો ત્યારે વિઝિબિલિટી પર્યાપ્ત હતી. જગુઆર ટકરાઈ ત્યારે સ્પીડ 137 કરતા વધુ હતી અને ટકરાયા બાદ 108 કિ.મી સ્પીડે ગાડી લોક થઈ હતી.
બેફામ રીતે કાર ચલાવવાથી અકસ્માત થયો હતો. ટક્કર મારી ત્યારે તથ્યએ એક્સેલેટર દબાવેલું હતું. તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો ન હોવાનું પણ રિપોર્ટમાં ખુલ્યું છે. અકસ્માત સમયે ગાડી 0.5 સેકન્ડમાં જ લોકો પર ફરી વળી હતી. આ કેસમાં આરોપી તથ્ય પટેલની પોલીસે ધરપકડ કરી હતી. આ ગંભીર અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં સવાર હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ પણ હતી. અકસ્માત પહેલા શું થયુ હતું તેની પોલ કારમાં બેસેલી તથ્યની જ એક મિત્રએ ખોલી છે.