કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત, જાણો ભૂપેન્દ્ર પટેલ સરકારના ક્યા મંત્રીએ કર્યો દાવો?
એક કાર્યક્રમમાં કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.
અમદાવાદઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દાવો કર્યો હતો કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે જેથી જનતાએ ચિંતા કરવાની જરૂર નથી. તેમ છતાં સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.
પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અને માં યોજનાના અન્વયે યોજાયેલા કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યુ કે, રાજય સરકાર એક ગોલ સાથે કામ કરી રહી છે કે ૮૦ લાખ લોકોને આ લાભ મળે. ગ્રીન કોરિડોર દ્વારા દર્દીને સારવાર મળે તે માટે આ યોજના રહેશે. ૬૨૫ જેટલી ખાનગી અને સરકારી તમામ હોસ્પિટલને આ યોજનામાં આવરી લેવામાં આવી છે.
ઋષિકેશ પટેલે કહ્યું કે, કોવિડની સારવાર દરમિયાન કેટલીક ફરિયાદ ઉઠી હતી પરંતુ હવે જનરલ સારવાર માટે કોઈ ફરિયાદ નહિ ઉઠે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નહીવત છે પરંતુ સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. ત્રીજી લહેર અંગે ગુજરાતની જનતાએ કોઇ ચિંતા કરવાની જરૂર નથી. દવાની સપ્લાય માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને જો ક્યાંક ખામી હશે તો તેને દૂર કરવામાં આવશે.
નોંધનીય છે કે એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોનાની ત્રીજી લહેરને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે નહીં. જલદી કોરોના સામાન્ય શરદી, તાવ અને ખાંસીની જેમ બની જશે. ગુલેરિયાએ કહ્યું હતું કે કોરોના હવે મહામારી નહી રહે. એનો અર્થ એ નથી કે લોકોએ સાવધાન રહેવું જોઇએ નહીં. જ્યાં સુધી આખા દેશમાં તમામ લોકોને વેક્સિન ન અપાઇ જાય ત્યાં સુધી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
ગુલેરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે કોરોના મહામારી હજુ ખત્મ થઇ નથી. હવે આ શરદી, તાવ અને ખાંસીની જેમ થઇ ગઇ છે. જેમ જેમ વેક્સિનેશન આગળ વધશે તેમ તેમ કોરોનાના નવા કેસમાં ઘટાડો આવશે. લોકોમાં કોરોના વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી વિકસિત થઇ ચૂકી છે. આ કારણથી કોરોનાના નવા કેસ ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે.