Crime: અમદાવાદમાં પોલીસનો તોડકાંડ, ત્રણ વર્દીધારીએ વેપારીને ધમકાવીને પડાવ્યા 60 હજાર, જાણો આખો કિસ્સો
થાઈલેન્ડ પ્રવાસથી પરત ફરી રહેલા અમદાવાદના વેપારી પરિવારને હેરાન કરી ધમકાવી તોડ કરવાના કિસ્સામાં બે પોલીસ કર્મચારી અને એક TRB જવાનની ધરપકડ થઈ છે
Crime News: ગુજરાતમાં પોલીસ તંત્રને લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ગઇરાત્રે વર્દીધારી પોલીસ સ્ટાફે એક એવી હરકત કરી છે, જેનાથી આખુ પોલીસતંત્ર બદનામી વ્હોરી રહ્યું છે. ગઇરાત્રે અમદાવાદમાં ત્રણ તોડબાજ વર્દીધારીઓએ એક વેપારી પાસેથી 60 હજાર પડાવી લીધા. વિદેશમાં ફરવા ગયેલા વેપારી સાથે આ પોલીસ સ્ટાફે તોડબાજી કરી અને 60 હજારનો તોડ કર્યો હતો, આ કેસમાં બે પોલીસ કૉન્સ્ટેબલ અને એક TRB જવાન સામેલ હતો, આ ત્રણેયની આજે સોલા પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આ ત્રણેય આરોપીઓ કૉન્સ્ટેબલ અશોક, મુકેશ અને TRB જવાન વિશાલ છે.
થાઈલેન્ડ પ્રવાસથી પરત ફરી રહેલા અમદાવાદના વેપારી પરિવારને હેરાન કરી ધમકાવી તોડ કરવાના કિસ્સામાં બે પોલીસ કર્મચારી અને એક TRB જવાનની ધરપકડ થઈ છે.. શનિવારે મોડી રાત્રે 60 હજાર રૂપિયાનો તોડ કરનાર અશોક ચૌધરી, મુકેશ ચૌધરી અને TRB જવાન વિશાલની અમદાવાદની સોલા પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય વિરુદ્ધ મિલન કેલા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. એયરપોર્ટથી પરિવાર સાથે ઉબેરમાં પરત ફરી રહેલા ચાંગોદરના વેપારી પરિવાર જ્યારે બોપલ જઈ રહ્યો હતો. ત્યારે જાહેરનામાના કેસમાં ફીટ કરવાની ધમકી આપી 60 હજારનો તોડ કર્યો હતો. આરોપ છે કે વેપારીની પત્નીના ખાતામાંથી 20 હજાર રૂપિયા ઓલાના ડ્રાઈવરના બેન્ક અકાઉન્ટમાં ટ્રાંસફર કરાવી અને બાદમાં ડ્રાઈવરના ATMમાંથી 20 હજાર ઉપાડી બાકીના વેપારી પાસેથી રોકડા 40 હજાર વસૂલ્યા હતા, પોલીસે આ સમગ્ર તોડકાંડ ઓગણજ ટોલનાકા પાસે કર્યો હતો. પોલીસે એટીએમ પાસેના સીસીટીવી ફૂટેજની તપાસ કરી આ ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ ત્રણેયથી કરતૂતના કારણે પોલીસ વિભાગ ફરી એકવાર બદનામ થયો છે.
રક્ષક કે ભક્ષક? મોડી રાત્રે 1 વર્ષના બાળક સાથે ઘરે જતા દંપત્તિને ગોંધી રાખી પોલીસે માગી લાખોની ખંડણી
શહેરમાં ગુનેગારો તો બેફામ બની ગુનાહિત પ્રવુતિઓને અંજામ આપી રહ્યા છે પરંતુ હવે તો તેમાંથી પોલીસ પણ બાકાત નથી. જે પોલીસ લોકોની સુરક્ષા માટે હોય છે, એ જ પોલીસ હવે ગુનાહિત પ્રગતિઓમાં સંડોવાઇલ જોવા મળી રહી છે. અમદાવાદના એસપી રીંગ રોડ પર તપાસના બહાને દંપત્તિને ગોંધી રાખીને રૂપિયા બે લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ ખંડણી માંગનાર બીજુ કોઈ નહીં પરંતુ બે પોલીસ કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડનો જવાન હોવાની બાબત સામે આવી છે. 'સલામતી અને સુરક્ષા' જે સૂત્ર સાથે પોલીસ લોકો માટે કામ કરતી હોય છે પરંતુ હવે પોલીસ વિભાગના જ કેટલાક પોલીસ કર્મીઓ આ સૂત્ર તદ્દન વિપરીત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલ જોવા મળી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતું દંપત્તિ વિદેશ ફરીને અમદાવાદ શહેરમાં આવ્યું ત્યારે ઘરે જતા એસપી રીંગ રોડ પર વૈષ્ણોદેવી ટોલ ટેકસ પાસે ત્રણ પોલીસકર્મીઓએ ભાડે ગાડી કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે દંપતી પાસે તપાસના નામે રોકી રૂપિયા બે લાખની ખંડણીની માંગણી કરવામાં આવી. ગાડીમાં પતિ પત્ની અને તેમનો એક વર્ષનું બાળક સામેલ હતું.
પોલીસે ફરિયાદીને ઉતારી પોલીસની ગાડીમાં બેસાડી દીધા. જ્યારે ફરિયાદી જે ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા તેમાં પોલીસકર્મી બેસી ગયો, જ્યાં પત્ની અને બાળકને ગોંધી રાખવામાં આવ્યા. શરૂઆતમાં પોલીસે રૂપિયા બે લાખની માંગણી કરી, બાદમાં 1 લાખ પર આવ્યા અને અંતે ફરિયાદી પાસે રૂપિયા 40,000 હતા તે આપી દીધા તેમ છતાં બીજા 20 હજાર રૂપિયાની માંગણી ખંડણીખોર પોલીસકર્મીએ કરી, જેથી ફરિયાદીએ તેની પત્નીના મોબાઈલમાંથી ગુગલ પે મારફતે તેમની ગાડીના ડ્રાઇવરને ટ્રાન્સફર કર્યા અને બાદમાં એટીએમ માંથી પૈસા ઉપાડી લીધા. આમ કુલ રૂપિયા 60,000 ત્રણ પોલીસ કર્મીઓએ દંપતિ પાસે પડાવી લીધા. દંપતિએ સોલા પોલીસ સ્ટેશનમાં ત્રણ પોલીસકર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હાલ ઘટના સ્થળના સીસીટીવીના આધારે ત્રણ પોલીસકર્મીઓ કોણ છે અને ક્યાં ફરજ બજાવે છે તેની તપાસની શરૂઆત કરી છે. પ્રાથમિક તપાસમાં ત્રણ પૈકી બે પોલીસ કોન્સ્ટેબલ જ્યારે એક ટ્રાફિક બ્રિગેડનો જવાન હોવાની માહિતી સામે આવી છે. ફરિયાદીનો આરોપ છે કે પોલીસે તેમને રોકતાની સાથે જ મોબાઈલ ફોન લઈ લીધા હતા અને કોઈની સાથે વાત કરવા દેતા ન હતા. જ્યારે ફરિયાદીની પત્ની પર કોલ આવી રહ્યા હતા ત્યારે પત્ની રોવા લાગી, જેથી ગાડીમાં ગોંધી રાખનાર પોલીસકર્મીએ તેમના કયા પ્રમાણે જ સામેથી આવતા કોલ્સના જવાબ આપવા માટે દબાણ કરતા. રૂપિયા 60,000 આપ્યા બાદ ત્રણ પોલીસ કર્મીઓએ આખી ઘટનાની જાણ કોઈને પણ ન કરવા માટે પણ ધમકી આપી હતી. ફરિયાદીનું કહેવું છે કે એરપોર્ટ પરથી મોડા આવવાના કારણે તેમના પરિવારજનોમાં પણ ચિંતાતુર બન્યા હતા. ઘરે પહોંચ્યા બાદ આખી ઘટના વર્ણવ્યા બાદ બીજા દિવસે સોલા પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ નોધાવી હતી.
મોટી વાત એ છે કે 2 દિવસ પહેલા જ અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સહિત ચાર સામે લૂંટ અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી.સંજય પટેલ નામના ટુર અને ટ્રાવેલ્સના સંચાલકે ફરિયાદ નોંધાવી હતી કે હાથકડી પહેરાવીને ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યું હતું. ટ્રાવેલ્સના સંચાલક સંજય પટેલ પોતાના મિત્ર મુકેશ પટેલ સાથે ઓફિસના પાર્કિગમાં બેઠા હતા. આ દરમિયાન પોલીસકર્મી આકાશ પટેલ અને તેના સાગરીતો ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી પૂછપરછ કરવા ક્રાઇમ બ્રાંચ લઈ જવાના નામે વેપારીનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ વેપારી પાસેથી 70 લાખની માંગણી કરી હતી. જૉકે 55 લાખમાં સોદો નક્કી થયો અને 35 લાખ સીજી રોડના સોમા આંગડિયા પેઢી મારફતે મેળવ્યા હતા અને બીજા 20 લાખ રૂપિયા સરખેજના પીએમ આંગડિયા પેઢી મારફતે મેળવ્યા હતા હતા અને ભોગ બનનારને વૈષ્ણવદેવી સર્કલ પાસે ઉતારી મૂકવામાં આવ્યો હતો.જોકે બાદમાં આરોપીઓએ 20 લાખ રૂપિયા આંગડિયા પેઢી મારફતે પરત પણ કરી દીધા હતા. જે મામલે પોલીસે અપહરણ કરવામાં ઉપયોગમાં લેવાયેલ કાર જપ્ત કરી છે.