KUDO : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં, આક્ષેપ કરનાર વાલી સામે 1 કરોડનો દાવો, જાણો સમગ્ર મામલો
Kudo in Ahmedabad : અમદાવાદમાં કુડો રમતા ખેલાડીના વાલીએ આક્ષેપ કર્યો છે કે, ફેડરેશન દ્વારા જુદી-જુદી ફી ઉઘરાવવામાં આવે છે. પરંતુ તેની રસીદ આપવામાં આવતી નથી.
Ahmedabad : અક્ષય કુમારના કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયાનું ગુજરાત ચેપ્ટર વિવાદમાં આવ્યુ છે. અમદાવાદમાં કુડો રમતા ખેલાડીના વાલીએ આક્ષેપ કર્યો છે કે, ફેડરેશન દ્વારા જુદી-જુદી ફી ઉઘરાવવામાં આવે છે. પરંતુ તેની રસીદ આપવામાં આવતી નથી. નક્કી કરેલા દર કરતા કોચ વધુ રૂપિયા ઉઘરાવે છે અને મેચમાં ભેદભાવ કરવામાં આવે છે. જો કે ફેડરેશન અને કોચે આ તમામ આક્ષેપો નકારી દીધા છે. આ મામલો અમદાવાદ સિવિલ કોર્ટ પહોંચ્યો છે.
નક્કી કરેલા ચાર્જ કરતા વધુ પૈસા વસૂલવામાં આવે છે : વાલી
અમદાવાદમાં રહેતા દીપા બહલનો પુત્ર શ્રેયસ ફાઉન્ડેશનમાં કરાટેની તાલીમ લેવા જાય છે. જ્યાં કરાટેના નામે તેને કુડો શીખવાડવામાં આવે છે, તેવો આક્ષેપ વાલીએ કર્યો છે. ફાઉન્ડેશન સાથે સંકળાયેલ કોચ કુડોની ઇવેન્ટ રમાડવા અલગ - અલગ જગ્યાએ લઇ જાય છે. જ્યાં નક્કી કરેલા ચાર્જ કરતા વધુ પૈસા વસૂલવામાં આવે છે.
કુડોની કિટનો માર્કેટ કિંમત કરતા વધુ ભાવ લેવાય છે. અમદાવાદ અને સુરત બન્નેના કૂડો ફેડરેશનના ભિન્ન-ભિન્ન ચાર્જ વસુલે છે. મેચમાં એક તરફી નિર્ણય લેવામાં આવે છે. જો કે અન્ય વાલીએ આ વાત નકારી નાખી છે.
વાલી ખોટા આક્ષેપ કરી રહ્યા છે : કોચ પ્રવીણ જાધવ
જો કે કોચ પ્રવીણ જાધવે તમામ આક્ષેપ નકારી દીધા છે. તેમનું કહેવું છે કે, ખેલાડી સ્ટેટ લેવલે હારી જતા આગળ વધી શક્યો નથી. તેથી તેના વાલી ખોટા આક્ષેપ કરી રહ્યા છે. નક્કી કરેલા ચાર્જ જ વસૂલવામાં આવે છે. ફોર્મ ઉપર ફી લખેલી જ હોય છે. જ્યાં સુધી કરાટેની વાત છે તો કુડોમાં કરાટેનો સમાવેશ થઈ જાય છે. વાલીઓને તે અંગે અગાઉથી માહિતી આપવામાં આવે જ છે. તેમના કન્સેન્ટથી જ ખેલાડીને સ્પર્ધા માટે લઈ જવાય છે. ટુર્નામેન્ટનો કોઈ ચાર્જ હોતો નથી. પરંતુ એકોમોડેશન અને ટ્રાવેલિંગ ચાર્જ વાલીએ ચૂકવવો પડે છે.
અમે અનેક ગરીબ પરિવારના બાળકોની મદદ કરી : કોચ પ્રવીણ જાધવ
અમે અનેક ગરીબ પરિવારના બાળકોની મદદ કરી છે. ફેડરેશનના ચેરમેન અક્ષય કુમાર સ્વ-ખર્ચે કેટલાય બાળકોનો ટ્રાવેલિંગ ખર્ચ કાઢે છે. ફેડરેશને જણાવ્યુ હતું કે, કેટલીક બાબતમાં ફી ફેડરેશનની ત્રણ અલગ જગ્યાએ વિભજિત થતી હોવાથી એક સંસ્થાની રસીદ આપવી શક્ય નથી.
વાલી સામે 1 કરોડનો દાવો કર્યો
વર્તમાનમાં આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. ફેડરેશન અને કોચે વાલી સામે 01 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો છે. હવે કોર્ટ નિર્ણય શુ નિર્ણય કરશે તે જોવું રહ્યું ?