(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત કોંગ્રેસ પ્રમુખે 125 બેઠકો જીતવાનું નક્કી કર્યું લક્ષ્ય, આટલી બેઠકો જીતવા માટે શું વ્યૂહરચના અપનાવશે ?
કોગ્રેસ સામાજિક સંગઠનો અને વેપારી એસોસિયેશનો સાથે બેઠકો કરશે. જે કાર્યકરો અને આગેવાનો સારુ કામ કરી રહ્યા છે તેઓને વધુ જવાબદારી આપવામાં આવશે.
અમદાવાદઃગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ કોગ્રેસ એક્શનમાં આવી ગઇ છે. ગુજરાત કોગ્રેસના નવા અધ્યક્ષ જગદીશ ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે જિલ્લા અને તાલુકાના આગેવાનો સાથે પ્રદેશ આગેવાનોએ બેઠકો યોજી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં ગુજરાત કોગ્રેસના નવા અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યુ હતું કે જે બેઠકો ઉપર કોંગ્રેસ સતત હારે છે તેવી બેઠકો ઉપર ઉમેદવારોના નામ વહેલા જાહેર કરાશે. આ સાથે જ આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી કોગ્રેસ નેતાઓની બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ બનાવવા માટે ચર્ચા કરાઇ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે કોગ્રેસ સામાજિક સંગઠનો અને વેપારી એસોસિયેશનો સાથે બેઠકો કરશે. જે કાર્યકરો અને આગેવાનો સારુ કામ કરી રહ્યા છે તેઓને વધુ જવાબદારી આપવામાં આવશે.
ગુજરાત કોગ્રેસના વડાએ દાવો કર્યો હતો કે ભાજપ ભલે 182 બેઠકો હાંસલ કરવાના દાવા કરે, પરંતુ 125 બેઠકો પર જીત મેળવવાનો અમારો લક્ષ્યાંક છે. કોંગ્રેસ માટે નબળી બેઠકો છે, તેવી બેઠકો પર પહેલાંથી જ ઉમેદવારો નક્કી કરી દેવાશે. જેથી જે-તે ઉમેદવારને તૈયારી માટે સમય મળી શકે.