ગુજરાત સ્થાપના દિવસ : અમદાવાદ હેરિટેજ સિટી વિશે જાણો ખાસ વાતો
ગુજરાતનો 1લી મેએ સ્થાપના દિવસ છે. 1મે 1960ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, 1960 હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા હતા.
અમદાવાદ: ગુજરાતનો 1લી મેએ સ્થાપના દિવસ છે. 1મે 1960ના રોજ બોમ્બે રિઓર્ગેનાઈઝેશન એક્ટ, 1960 હેઠળ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા હતા. એ દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ, એને આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઊજવીએ છીએ. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલને મહત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ 1956માં શરૂ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર 60 વર્ષ પહેલા શરૂ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.
ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય ગણવામાં આવે છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જ્યારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ગુજરાતના આ સૌથી મોટા શહેરને મળેલો છે. ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના મે 1, 1960ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટું અને ભારતનું સાતમાં ક્રમનું શહેર ગણવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને 1960થી 1970 સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
અંગ્રેજી શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું. તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યું હતું. અમદાવાદ ત્યારે પણ ગુજરાત પ્રદેશનો એક અહમ ભાગ રહ્યું હતું. કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અને અહીં સ્થપાયેલા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને કારણે તેને ‘માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
1858માં પ્રથમ વખત મ્યુનિસિપાલિટીની સત્તાવાર સ્થાપના થઈ હતી. જ્યારે 1859માં અમદાવાદના શાહપુર ખાતે રણછોડલાલ છોટાલાલે પહેલી કાપડ મિલ બાંધી હતી. આ ઉપરાંત 1864માં પ્રેમ દરવાજાનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને મુંબઈથી અમદાવાદ સુધી રેલવે શરૂ થઈ હતી.
અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું શહેર છે. સાબરમતી નદીના કિનારાનો વિકાસ કરી સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2005થી આ કામ શરૂ કરવામાં આવ્યું હતુ. આજે સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાતે દેશ વિદેશથી લોકો આવે છે.
ત્રણ દરવાજા ઐતિહાસિક દરવાજા છે. જેનું નિર્માણ ભદ્રના કિલ્લાની દક્ષિણ દિશામાં 1415માં કરવામાં આવ્યું હતું. દરવાજામાં ત્રણ આર્ક બનાવવામાં આવ્યા છે. વચ્ચેનો આર્ક 17 ફૂટ અને આજૂબાજૂના બન્ને આર્કની પહોળાઈ 13 ફૂટ છે.
ભદ્રનો કિલ્લો અમદાવાદની મધ્યમાં આવેલો છે. તેને 1411માં અહેમદ શાહે બંધાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે કિલ્લાનું નામ મરાઠા કાળમાં સ્થાપાયેલા ભદ્ર કાળીનાં મંદિર પરથી પડ્યું છે જે લક્ષ્મીનું સ્વરૂપ છે.
કાંકરિયા તળાવ અમદાવાદના મણીનગર વિસ્તારમાં વિકસાવવામાં આવ્યું છે. 1451માં બનેલા આ તળાવની સ્થાપના સુલતાન કુતુબ-ઉદ્-દ્દીને કરી હતી. કાંકરિયા એ સમયે હોજ-એ-કુતુબ તરીકે જાણીતું હતું.