Gujarat Monsoon update : 27 જુલાઇએ કયા કયા વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ? જાણો હવામાન વિભાગની મોટી આગાહી
સમગ્ર રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે. 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે આવતી કાલે 27મી જુલાઇએ વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. સમગ્ર રાજ્યમાં 4 દિવસ વરસાદ રહેશે. 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં મેઘ મહેર 4 દિવસ યથાવત રહેશે.
27 અને 28 જુલાઈએ ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ, દમણ, દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ગીર સોનાથ, ભાવનગર સહીતના જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે આજે 26 જુલાઈએ અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ગાંધીનગર, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, મહેસાણા , પાટણ સહીતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 28 જુલાઈએ વધુ એક લો પ્રેશર સક્રિય થાય તેવી શક્યતા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યા થી 2 વાગ્યા સુધી રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે વરસાદ તાપીના ડોલવણમા સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારીના ખેરગામ અને વલસાડના ધરમપુરમાં અઢી ઈંચ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં 2.4 ઇંચ, આણંદના તારાપુર અને નવસારીના વાંસદામાં 2.1 ઇંચ, ડાંગના આહવા, વલસાડના વાપી, ડાંગના વઘઈમાં 2 ઈંચ, જૂનાગઢના માળિયામાં 1.9, નવસારીના ચિખલીમાં 1.8 ઇંચ, વલસાડના પારડીમાં 1.7 ઇંચ, મોરબીમાં 1.7 ઇંચ, વલસાડ શહેર, ગીર સોમનાથના કોડીનારમાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નવસારીમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણી વધતા ખેરગામ તાલુકામાં આવેલ નાંધાઇ ગામનો ગરગડીયા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. લોકોને વલસાડ જવા માટે અંતરિયાળ રસ્તો બંધ થયો છે. જ્યારે ૧૦ જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે.