અમદાવાદમાં પોસ્ટ ઓફિસની બચત યોજનામાં રોકાણ નામે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ, 3.97 કરોડની છેતરપિંડી કરી
આર્થિક ગુના નિવારણ શાખાએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3 કરોડ 97 લાખ રૂપિયાની સગાઈ આચરનાર પરિવાર સહિત ચાર લોકોને પકડી પાડ્યા છે.
Ahmedabad News: અમદાવાદમાં પોસ્ટ ઓફિસમાં અલગ અલગ નાની બચત યોજનામાં રોકાણ કરવા માટે લોકો પાસેથી રોકડ અને બચત ખાતાના ચેક તેમજ પાસબુક મેળવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એજન્ટોની ટોળકી ઝડપાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખાએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3 કરોડ 97 લાખ રૂપિયાની ઠગાઈ આચરનાર પરિવાર સહિત ચાર લોકોને પકડી પાડ્યા છે.
નારણપુરાનો તેજસ શાહ નામનો આરોપી પોસ્ટ ઓફિસની બહાર એજન્ટ તરીકે કામ કરતો હતો. પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના બહાને લોકોનો વિશ્વાસ કેળવી આરોપી પૈસા લઈ લેતો. બાદમાં પોતાના જ પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરી દેતો. આખરે તેનો ભાંડો ફૂટ્યો અને ક્રાઈમ બ્રાન્ચે તેજસ શાહ, ગીરા શાહ, માલવ શાહ અને દર્શનાબેન ભટ્ટની ધરપકડ કરી છે.
આર્થિક ગુના નિવારણ શાખાએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3 કરોડ 97 લાખ રૂપિયાની સગાઈ આચરનાર પરિવાર સહિત ચાર લોકોને પકડી પાડ્યા છે. આ કેસમાં તેજસ શાહ, ગીરાબેન શાહ, માલવ શાહ અને દર્શનાબેન ભટ્ટ નામના નારણપુરાના આરોપીઓને પકડવામાં આવ્યા છે.
તેજસ શાહ વર્ષ 2010 થી પોસ્ટ ઓફિસ બહાર એજન્ટ તરીકે કામ કરતો હોય અલગ અલગ લોકોને મળીને વિશ્વાસ કેળવી તેઓના પૈસા ફિક્સ ડિપોઝિટ અથવા તો યોજનાઓમાં રોકાણ કરવાના બહાને મેળવી લઈ તે રકમ ખોટી સહીઓ કરીને પોતાના દીકરા માલવ શાહના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી.
જોકે રોકાણકારોએ અવારનવાર ચેકબુક અને પાસબુક સહિતના દસ્તાવેજોની માંગ કરતા આરોપીએ કોઈપણ ડોક્યુમેન્ટ ન આપી અંતે ખોટી પાસબુક આપતા તેનો ભાંડો ફૂટી ગયો હતો.
રોકાણકાર અને ફરિયાદી હેમંત હુકમાણીએ પણ આ બાબતે પોસ્ટ ઓફિસમાં જઈને તપાસ કરતા તેઓના બચતની લાખો રૂપિયાની રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હોવાની જાણ થતા તેઓની જેમ અન્ય 13 લોકો સાથે પણ આ એજન્ટોએ આ જ રીતે છેતરપિંડી કરી પૈસાની ઉચાપત કરી હોવાની હકીકત ધ્યાને આવી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનામાં સામેલ ચારે આરોપીઓને પકડી પાડ્યા છે.
જોકે તેઓ દ્વારા અન્ય પણ લોકો સાથે આ જ રીતે છેતરપિંડી આચરવામાં આવી હોવાની હકીકત તપાસમાં ખુલતા પોલીસે અન્ય ભોગ બનનારાઓને શોધીને આરોપીઓની સામે પુરાવાઓ એકત્ર કરી અરજદારોના પૈસા પરત અપાવવા માટેની તજવીજ શરૂ કરી છે.