Ahmedabad: કાગડાપીઠ પોલીસે ગુમ થયેલા ત્રણ સગીરોનું પરિવાર સાથે કરાવ્યું મિલન
અમદાવાદ શહેર પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્રને સાર્થક કરતાં પ્રજા કલ્યાણ અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્રને સાર્થક કરતાં પ્રજા કલ્યાણ અને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 17 એપ્રિલ, 2025ના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના ચુનારાવાસ અને કંટોળિયા વાસ ખાતે રહેતા ત્રણ સગીર બાળકો પોતાના પરિવારની માંડ માંડ ભેગી કરેલી રૂ. 80,000/-ની રકમ લઈ ઘરેથી નીકળી ગયા હતા.
આ બાળકોના પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાંથી આવે છે, જેમના માતા-પિતા રિક્ષા ચલાવવા અને મજૂરી કામ કરી આજીવિકા ચલાવે છે. એક સગીરે પોતાના પિતાના મોબાઈલ પર મેસેજ મોકલી જણાવ્યું હતું કે, તે ઘરે કંટાળી ગયો છે અને ચાર-પાંચ વર્ષ પછી પોતાના પગ પર ઊભો થઈ પરત આવશે. સાંજે ગભરાયેલા પરિવારજનોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે આ બનાવની જાણ કરી હતી.
ત્રણેય સગીર આબુ રોડ, રાજસ્થાન પહોંચી ગયા
બનાવની ગંભીરતાને ધ્યાને લઈ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર (ઝોન 06) રવિ મોહન સૈની તથા એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાગડાપીઠ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કાગડાપીઠ પીઆઈ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં ડી સ્ટાફ પીએસઆઈ વી.બી. ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ, મહેન્દ્રસિંહ અને સ્ટાફની ટીમે સીસીટીવી ફૂટેજ, સોશિયલ મીડિયા મેસેજ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી એકત્ર કરી હતી. જાણવા મળ્યું કે, ત્રણેય સગીર આબુ રોડ, રાજસ્થાન પહોંચી ગયા છે અને આબુ ફરવાની તૈયારી કરી રહ્યા છે.

પરિવાર સાથે બાળકોનું કરાવ્યું મિલન
ઉપરી અધિકારીઓની મંજૂરી સાથે, પોલીસ ટીમે વાલીઓને સાથે રાખી આબુ રોડ પહોંચી અને ગણતરીના કલાકોમાં ત્રણેય સગીરોને રાજસ્થાન બોર્ડર ખાતેથી શોધી કાઢ્યા હતા. બાળકો પાસેથી લઈ ગયેલી રૂ. 80,000/-ની રકમ પણ સુરક્ષિત પરત કરવામાં આવી હતી. કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે બાળકો અને તેમના પરિવારજનોનું ભાવવાહી મિલન થયું હતું.
પૂછપરછ દરમિયાન, સગીરોએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા રીલ્સથી પ્રભાવિત થઈ, ઘરે કંટાળો અનુભવતા અને જીવનમાં મોટું બનવાના સપના સાથે તેઓ ઘરેથી નીકળી ગયા હતા. આ ઘટના સોશિયલ મીડિયાના અનિયંત્રિત ઉપયોગ અને માતા-પિતાની દેખરેખમાં રહેલી ખામીને ઉજાગર કરે છે, જે સમાજ માટે ચેતવણીરૂપ છે.
અમદાવાદ શહેર પોલીસની સમયસૂચકતા અને સમર્પણથી પરિવારજનોને તેમના સંતાનો અને મહેનતની કમાણી પરત મળી હતી. પરિવારજનોએ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને પોલીસે વાલીઓને તેમના બાળકોની સારસંભાળ રાખવા સલાહ આપી હતી.
આ ઘટના દ્વારા અમદાવાદ શહેર પોલીસે સેવા અને સુરક્ષાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પ્રજા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે.





















