અમદાવાદમાં રસી માટે લોકોને રઝળપાટ, કલાકો લાઈનમાં રહ્યા છતા ન મળી રસી
શનિવારે અનેક કેન્દ્રો ઉપર થયેલા હોબાળા બાદ રવિવારે પણ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી હતી.
સ્માર્ટ સિટી અમદાવાદમાં સતત બીજા દિવસે પણ કોરોના વેકિસનેશનના મહા અભિયાન દરમ્યાન મ્યુનિસિપલ પ્રશાસનનું મિસમેનેજમેન્ટ બહાર આવ્યુ છે. રવિવારે ટાગોર હોલ ઉપરાંત વસ્ત્રાપુર ઉપરાંત શાહપુરના લાલાકાકા હોલ સહીતના રસીકરણ કેન્દ્રો ઉપર કલાકો સુધી રસી લેવા લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને રસી ન મળતા લોકોમાં મનપા પ્રશાસન વિરૂધ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. ટાગોર હોલમાં ભીડને કાબૂમાં લેવા પ્રશાસને પોલીસની મદદ લેવી પડી હતી.
મ્યુનિ.શાળા ઉપરાંત અન્ય શાળાઓના કેન્દ્રો રસીનો જથ્થો ના હોવાથી બંધ કરવા પડયા હતા. શહેરમાં અનેક કેન્દ્રો ઉપર કોવેકિસન રસીનો જથ્થો ન હોવાથી કોવિશિલ્ડ વેકિસન અપાતી હતી જે લેવાનું 18થી 44 વયના લોકોએ ટાળ્યુ હતું. 21 જુનથી અમદાવાદ શહેરમાં કોરોના વેકિસનેશનનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંતુ છ દિવસમાં એક પણ વખત મ્યુનિ.પ્રશાસન આ લક્ષ્યાંકને પાર પાડી શકયુ નથી.
શનિવારે અનેક કેન્દ્રો ઉપર થયેલા હોબાળા બાદ રવિવારે પણ આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી હતી. શહેરના પાલડી વિસ્તારમાં આવેલા ટાગોરહોલના રસીકરણ કેન્દ્ર સિવાય અન્ય કોઈ કેન્દ્રો ઉપર કોવિશિલ્ડ રસી ન હોવાના કારણે ટાગોરહોલ ખાતે રવિવાર સવારથી જ મોટી સંખ્યામાં લોકોની ભીડ રસી લેવા માટે ઉમટી પડી હતી. પરંતુ રસી લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ લોકોને રસી ન મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. રસીનો જથ્થો ન હોય એ પરિસ્થિતિમાં મ્યુનિસિપલના આરોગ્ય વિભાગે અગાઉથી કોઈ જાહેરાત ન કરી હોવાથી લોકો એક સેન્ટર ઉપરથી બીજા સેન્ટર ઉપર રસી મેળવવા માટે રઝળપાટ કરતા જોવા મળ્યા હતા.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,40,985 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,46,38,142 પર પહોંચ્યો છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના કુલ કેલ ત્રણ કરોડ 2 લાખ 33 હજાર 183 પર પહોંચ્યા છે. જ્યારે કુલ ડિસ્ચાર્જનો આંકડો બે કરોડ 95 લાખ 51 હજાર 029 છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 5 લાખ 68 હજાર 403 છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખ 95 હજાર 751 થયો છે.