Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ શરુ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે.
અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. શહેરના બોપલ, શેલા, સાણંદ, એસજી હાઈવે, ઈસકોન, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. શહેરના સિંધુભવન રોડ પણ વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે.
ગાંધીનગર શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરુઆત થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
રાજકોટમાં વરસાદ
રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. રાજકોટમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદના કારણે સોસાયટી કે ખુલ્લા પ્લોટ, પાર્ટી પ્લોટમાં જે લોકોએ લગ્નનું આયોજન કર્યુ હતું ત્યાં મંડપ સહિતની તમામ વસ્તુઓ પલળી ગઈ છે. શહેરમાં એક જગ્યાએ તો લગ્ન મંડપ પણ ધરાશાયી થયો હતો. જેના સીસીટીવી સામે આવ્યા છે. લગ્નની સિઝનમાં કમોસમી વરસાદ વરસતા પરેશાન થયા છે.
પાટણમાં વરસાદ
પાટણ જિલ્લામાં વરસાદી માહોલ છે. પાટણ શહેર સહિત તાલુકામાં વરસાદ છે. પાટણ શહેરમાં પવન સાથે વરસાદ છે. પાટણનાં સંડેર, રૂની, હાજીપુર,ગોલાપુર સહિત ગ્રામ્યમાં વરસાદ છે. વરસાદી માહોલથી ખેડૂત ચિંતિત છે. ખેતરમાં ઉભા જીરું, ઘઉં, અજમો, સુવા સહીતના પાકોને નુકશાનની ભીતિ છે.
21 જિલ્લામાં વરસાદને લઇને હવામાન વિભાગે આપ્યું એલર્ટ
કચ્છ સહિત સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. મોરબી, રાજકોટ,બોટાદ, અમરેલી,ગીર સોમનાથ,ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાનો સમાવેશ થાય છે. માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે.
મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
માવઠાની આગાહી વચ્ચે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં તાપમાનમાં ઘટાડો થતાં આજથી ત્રણ દિવસ સુધી ઠંડીમાં વધારો થઇ શકે છે. ઠંડીની આગાહી સાથે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બદલતા વાતાવરણ વચ્ચે આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનનો પારો ગગડીને 14 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.