Ahmedabad Corona: કોરોનાનું વધ્યું સંક્રમણ,વધુ 10 કેસ નોંધાતા, એક્ટિવ કેસની સંખ્યામાં વધારો
કોરોનાના વધતાં કેસે ફરી એકવાર ચિંતા જગાડી છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. બુધવારે વધુ 10 દર્દીના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Ahmedabad Corona:કોરોનાના ન્યુ વેરિયન્ટ બાદ ફરી કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં વધુ 10 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બુધવારે અમદાવાદ શહેરમાં વધુ 10 કોરોના કેસ સામે આવ્યા છે.
5 મહિલાઓ અને 5 પુરુષોના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 46 પહોંચી છે. નવરંગપુરા નારણપુરા બોડકદેવ થલતેજ નિકોલ મણીનગર સાબરમતી અને ઇસનપુર વિસ્તારમાં થી 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. 10માંથી પૈકી 4 મુસાફરોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. ગોવા સિંગાપુર રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી આ લોકો પ્રવાસ કરીને પરત ફર્યા છે. 46 દર્દીઓમાંથી પૈકી 45 દર્દીઓને હોમ આઈસોલેશનમાં અને એક દર્દીમાં વધુ લક્ષણો અનુભવાતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે. દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે. રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી દર્દી પીડિત હતા.
શિયાળાની વધતી જતી ઠંડી વચ્ચે ભારતમાં કોરોના વાયરસ વધુ ગંભીર બની રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 692 નવા કેસ નોંધાયા છે, જેના કારણે ચિંતા વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માહિતી આપી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 692 નવા કેસ નોંધાયા છે, જેનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ને કારણે કુલ 6 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે દિલ્હી, કર્ણાટક, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું છે.
ભારતમાં બુધવારે 24 કલાકમાં કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાયરસના કારણે 5 લોકોના મોત થયા છે. બુધવારના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં કોવિડ-19ના કારણે બે અને ગુજરાતમાં એક દર્દીનું મોત થયું હતું બાદમાં મહારાષ્ટ્રમાંથી કોરોના વાયરસના કારણે મૃત્યુના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત કોરોનાના કારણે મૃત્યુના કેસ નોંધાયા છે.