બુદ્ધિનું પ્રદર્શન! હવે ટેક્સ વિભાગના કર્મચારીઓ પકડશે ઢોર, અમદાવાદ મહાનગરપાલિકાએ સોંપી જવાબદારી
અમદાવાદ મહાનગરપાલિકાએ ઢોર પકડવા માટે ટેક્સ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી હતી.
અમદાવાદઃ અમદાવાદ મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. મળતી જાણકારી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકાએ ઢોર પકડવા માટે ટેક્સ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપી હતી. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ મનપાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે પરંતુ તેમાં હવે ટેક્સ વિભાગના અધિકારી અને કર્મચારીઓને ઢોર પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ટેક્સ વસૂલાત પડતી મૂકીને ઢોર પકડવા માટે રસ્તા પર નીકળશે. અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયથી ટીકા કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં રવિવાર સુધી અલગ અલગ વિસ્તારોમાંથી 163 ઢોર પકડવામાં આવ્યા અને 28 હજાર 430 કિલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. CNCD વિભાગે નવેમ્બરમાં કલ 689 અને ચાલુ વર્ષે એપ્રિલથી ઓક્ટોમ્બર સુધીમાં કુલ 12 હજાર 307 જેટલા ઢોર પકડ્યા છે.
ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ ઢોર નિયંત્રણ પોલીસીને લઈ પશુપાલકોને છેલ્લી નોટિસ આપી હતી. હવે જો લાયસન્સ નહીં હોય તો પશુઓને શહેરની બહાર લઈ જવા આખરી અલ્ટીમેટ આપી દેવામાં આવ્યું છે. ઢોર નિયંત્રણ પોલીસે મુજબ પશુઓની જગ્યા હશે તો જ લાયસન્સ આપવામાં આવશે. અને જો જગ્યા નહીં હોય તો લાયસન્સ આપવામાં આવશે નહીં.
અમદાવાદ મનપાએ પશુઓના લાયસન્સ માટે 1500 ફોર્મનું વિતરણ કર્યું હતું. જો કે પશુ માલિકોએ લાયસન્સ માટે રસ દાખવ્યો નથી. કેમ કે અત્યાર સુધીમાં માત્રને માત્ર 14 પશુ માલિકોએ લાયસન્સ મેળવ્યા છે. જો કે અમદાવાદમાં પશુઓની સંખ્યા ઘણી મોટી છે. તેમ છતાં મોટાભાગના પશુ માલિકોએ લાયસન્સ મેળવ્યા નથી. તે જોતા શહેરમાંથી 20-22 હજાર પશુઓને શહેરમાંથી ખસેડવામાં આવે તેવી સંભાવના છે.
બીજી તરફ સુરતમાં ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. શહેરના અમરોલી વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો. નાથા ભરવાડ સહીતની ટોળકીએ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ઝપાઝપી કરી ઢોર પણ છોડાવી ગયા હતા. પોલીસે 10 લોકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.