અમદાવાદમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, જુહાપુરામાં કારના બોનેટ પરથી મળ્યો ડ્રાઈવરનો મૃતદેહ
અમદાવાદમાં અકસ્માતમાં હારમાળા સર્જનાર ટેક્સીચાલકનું શંકાસ્પદ મોત થયું હતુ

અમદાવાદમાં વધુ એક વખત અકસ્માતની મોટી ઘટના બની છે. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં અકસ્માતમાં હારમાળા સર્જનાર ટેક્સીચાલકનું શંકાસ્પદ મોત થયું હતુ. ઘટના હત્યાની કે આકસ્મિક મૃત્યુની તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મૂળ ભાવનગરના કૌશિક ચૌહાણ નામના વ્યકિતનું શંકાસ્પદ મોત થયું હતું. અકસ્માતની હારમાળાની ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં અર્ટિંગા કારનો ચાલક લોકોને અડફેટ લેતો જોઇ શકાય છે. અકસ્માત બાદ લોકોનું ટોળુ પીછો કરતું પણ સીસીટીવીમાં કેદ થયું હતું. કાર ચાલક નશામાં હતો કે નહીં તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકના પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. અકસ્માતના કારણે મોત કે લોકોના મારથી મોત તે દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. મૃતક કૌશિક ચૌહાણ હાલમાં અમદાવાદના ઈસનપુરમાં રહેતો હતો.
વાસણાથી જુહાપુરા સુધી ડ્રાઈવરે બેફામ ગાડી દોડાવી અને ઘણા વાહનોને અડફેટે લીધા છે. આ ઘટના જુહાપુરા વિસ્તારમાં આઈશા મસ્જિદ પાસે બની છે. કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. કાર ચાલકે આશરે 5થી 6 ગાડીઓને ટક્કર મારી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જુહાપુરાની આઈશા મસ્જિદની બાજુમાં ટેક્સી પાસિંગની અર્ટિગા કારચાલકનું મૃત્યુ થયું હતું. કારચાલક વાસણાથી અકસ્માત કરતો આવ્યો હતો. વાહન ચાલક લોકોથી બચવા જુહાપુરાની સાંકડી ગલીઓમાં ગયો હતો.
અકસ્માત બાદ લોકોએ કાર અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર મામલે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કારચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે વિફરેલા ટોળાએ તેની કાર પર હુમલો કરી દીધો સાથે જ કારચાલક પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે કારચાલકનું કરુણ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. પોલીસ જ્યારે સ્થળ પર પહોચી ત્યારે કારચાલક મૃત હાલતમાં મળી આવ્યો હતો. સાથે જ તેની કારના કાચ પણ તૂટેલા હતા.





















