વિરમગામમાં જળબંબાકાર: 3 ઇંચથી ઓછા વરસાદમાં પ્રશાસનની પોલ ખુલી, ધારાસભ્ય હાર્દિક પટેલ પર નિષ્ક્રિયતાના લાગ્યા આરોપ
Viramgam Rian: મોટા પરકોટા વિસ્તારના ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી; દબાણો અને બ્લોકેજ ડ્રેનેજ લાઇનને જવાબદાર ઠેરવી પ્રજાએ ધારાસભ્યની નિષ્ક્રિયતા પર ઉઠાવ્યા સવાલ.

- માત્ર 3 ઇંચ વરસાદ છતાં શહેરમાં જળબંબાકાર, ખાસ કરીને મોટા પરકોટા વિસ્તારમાં પાણી ઘૂસતાં સ્થાનિકો ત્રસ્ત.
- સ્થાનિકોએ ધારાસભ્ય હાર્દિક પટેલ અને પાલિકાની નિષ્ક્રિયતા માટે આક્ષેપ કર્યા, ડ્રેનેજ બ્લોકેજ અને દબાણોને જવાબદાર ગણાવ્યા.
- પ્રજાનો ગુસ્સો ઊઠ્યો — "મૂશ્કેલીમાં છીએ, ધારાસભ્ય ફોન પણ નથી ઉઠાવતા", એવો સીધો સંદેશ.
- હાર્દિક પટેલના ‘સ્માર્ટ તાલુકા’ના વચનો સામે વાસ્તવિક પરિસ્થિતિ વિરોધાભાસી, પ્રિ-મોનસૂન કામગીરી પણ નિષ્ફળ જણાઈ.
- લોકોએ મત અને વચન યાદ કરાવતાં ધારાસભ્યને સ્થળની મુલાકાત લેવા અપીલ કરી, સમગ્ર ઘટનાથી ભાજપ અને સ્થાનિક નેતૃત્વ સામે અસંતોષ પ્રકાશમાં.
Rain in Viramgam: અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેણે સ્થાનિક પ્રશાસન અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વરસાદ રોકાયાના એક કલાક બાદ પણ વિરમગામના મોટા પરકોટા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
સ્થાનિકોનો રોષ અને આક્ષેપો
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, શહેરમાં 3 ઇંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હોવા છતાં આ સ્થિતિ સર્જાઈ છે. પ્રજાએ ધારાસભ્ય હાર્દિક પટેલ અને વિરમગામ પાલિકાની નિષ્ક્રિયતાને બાનમાં લીધી છે. તેમનો આક્ષેપ છે કે, શહેરમાં વધેલા દબાણો અને બ્લોકેજ ડ્રેનેજ લાઇનના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના પરિણામે સામાન્ય વરસાદમાં પણ જળભરાવ થઈ રહ્યો છે.
પ્રજા સીધો સવાલ કરી રહી છે કે, "ધારાસભ્ય હાર્દિક પટેલ જવાબ આપે, આ પાપ માટે કોણ જવાબદાર છે?" લોકોનો ગુસ્સો એ હદે છે કે તેઓ કહી રહ્યા છે કે, "જનતા મુશ્કેલીમાં છે અને ધારાસભ્ય હાર્દિક પટેલને ફોન ઉપાડવાનો સમય નથી."
ધારાસભ્ય હાર્દિક પટેલ આપે જવાબ, આ પાપ માટે કોણ જવાબદાર?
ધારાસભ્ય બન્યા પહેલા હાર્દિક પટેલે વિરમગામને 'સ્માર્ટ તાલુકો' બનાવવાની મોટી ડંફાસો મારી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા સ્થાનિકો પૂછી રહ્યા છે કે, "હાર્દિકભાઈ, શું વિરમગામ આમ બનશે સ્માર્ટ તાલુકો?" પાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતા પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓનું પણ સૂરસૂરિયું થઈ ગયું છે.
પ્રજાની લાગણી એવી છે કે ધારાસભ્ય હાર્દિક પટેલ જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને જનતા મુશ્કેલીમાં હોવા છતાં તેઓ 'મસ્ત' છે. સ્થાનિકોએ ધારાસભ્યને એક વખત આ વિસ્તારની મુલાકાત લેવા અને વાસ્તવિક સ્થિતિ જોવા અપીલ કરી છે. લોકો યાદ અપાવી રહ્યા છે કે, "મત લેવા આવ્યા હતા હાર્દિકભાઈ, હવે ક્યાં ગયા હાર્દિકભાઈ? વાર્તાઓ કરીને ધારાસભ્ય બનેલા હાર્દિકભાઈ ક્યારે દેખાશે?" આ ઘટનાએ વિરમગામમાં ભાજપ અને સ્થાનિક નેતાગીરી સામે પ્રજાનો અસંતોષ સ્પષ્ટપણે ઉજાગર કર્યો છે.





















