અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ
Ahmedabad News: અમદાવાદના પાલડી વિસ્તારના એક બંધ મકાનમાંથી 95 કિલોથી વધુ સોનું અને અધધ રોકડ મળતાં ખળભળાટ મચી ગઇ છે. આખરે આ સંપત્તિના માલિક કોણ છે જાણીએ...

Ahmedabad News:અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈની રેડ પાડીને 20 કરોડથી વધુની રોકડ અને 95 કિલોથી વધુ સોનુ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતા આ મામલે હવે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે કે આ કરોડોના મુદ્દામાલનો માલિક કોણ છે અને કેવી રીતે અને ક્યાંથી આ સંપત્તિ એકઠી કરી.
અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત રેડમાં પકડાયેલું કરોડો રૂપિયાનું સોનું, દાગીના અને રૂપિયા શેર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહનો હોવાનો ખુલાસો થયો છે. છેલ્લા 3 વર્ષથી તેમણે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો અને પિતા પુત્રના શેર બજારની કમાણીમાંથી સોના ચાંદીના જવેરાત રોકડ બનાવ્યા હતા. તિજોરીમાંથી એટલી માત્રામાં રોકડ મળી આવી કે, ગણતરી માટે તો મશીન મંગાવવા પડ્યા હતાં અને મોડી સાંજે શરૂ થયેલી કાર્યવાહી આજે સવાર સુધી ચાલી એટલે છેલ્લા 17 કલાકથી ચાલતી હતી.,
દરોડામાં હવાલાના કરોડોના નાણાકીય વેપારો અને બિટકોઈન જેવી ક્રિપ્ટોના વેપારોના કેટલાક મહત્વના દસ્તાવેજો પણ હતા, જે જપ્ત કરવામાં આવ્યા. જ્યારે જપ્ત કરાયેલું સોનું છેલ્લા એક વર્ષના સમયગાળામાં ખરીદવામાં આવ્યું હોવાની શક્યતા સેવાઇ રહી છે. આ સાથે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહાર અત્યાર સુધીમાં કરવામાં આવ્યાની કેટલીક એન્ટ્રીઓ પણ મળી આવી છે. ફ્લેટમાં રાતના સમયે વાહનોમાં થેલામાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ લાવવામાં આવતી હતી અને જેને લઈ ગુજરાત એટીએસને બાતમી મળી હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓ ફેરિયાના સ્વરૂપમાં ફ્લેટની આસપાસ રેકી પણ કરતા હતા.
મહેન્દ્ર શાહ છેલ્લા કેટલાક સમયથી કંપનીઓના શેરના ભાવમાં કૃત્રિમ વોલ્યુમ ઊભું કરી અને તેના ભાવ ઊંચા લઈ જતો. તેનું વેચાણ કરવાનો ધંધો કરતો. એટલું જ નહીં મહેન્દ્ર શાહ અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કાળા નાણાને વાઇટ કરવાના ધંધાનો કિંગ માનવામાં આવે છે અને જેમાં એન્ટ્રી ઓપરેટરો પણ તેના અંદર કામ કરે છે. આ બંને લોકો કરોડો રૂપિયા આસાનીથી એન્ટ્રી કરી અને બ્લેકના વાઇટ કરી આપે છે, ઉલ્લેખનિય છે કે, થોડા જ દિવસ પહેલા જ 20 કરોડની રોકડ સાથે ઝડપાયેલો સંજય શાહ પણ મહેન્દ્ર શાહ માટે કામ કરતો હોવાનું સૂત્રનો દાવો છે.
મહેન્દ્ર શાહ ડબ્બા ટ્રેડિંગનો સૌથી મોટો કારોબાર ચલાવે છે. મોટા બિલ્ડર્સ રોકાણકારો સાથે પણ સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ડીઆરઆઈ અને એટીએસની તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલું સર્ચ ઓપરેશન ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. બીજી તરફ લગભગ 17 કલાકથી વધુ ચાલેલું સર્ચ ઓપરેશન અત્યારે પૂર્ણ થયું છે. ડીઆરઆઈ અને એટીએસ સહિતની જે એજન્સીઓ જેમણે ગત સાંજથી ઓપરેશન શરૂ કર્યું હતું. મેઘ શાહ અને તેના પિતાના નામે બેનામી સંપત્તિ હોવાની બાતમી ડીઆરઆઈ ને મળી હતી, જે બાદ એન્ટી ટેરરી સ્કોડને સાથે રાખીને ઓપરેશન કરવામાં આવ્યું હતું.એટીએસના આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મેઘ શાહ અને તેના પિતા જે આમાં સંડોવાયેલા છે, તે હાલ અમદાવાદમાં નથી. મહારાષ્ટ્રમાં હોવાની માહિતી પ્રાથમિક તબક્કામાં સામે આવી છે.




















